સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

'તૌકતે' વાવાઝોડાને પગલે કચ્છના દરિયામાં કોસ્ટગાર્ડ એલર્ટ : ૧૩૫ માછીમારી બોટ કિનારે હજીયે ૫૯ બોટ દરિયામાં

મત્સ્યોદ્યોગ કચેરીએ નવા ટોકન બંધ કર્યા : પ્રભારી સચિવ અને કલેકટરની સમીક્ષા : જરૂરત પડયે માછીમારોના સ્થળાંતર માટે પૂર્વ તૈયારી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : પશ્ચિમી અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાના હળવા દબાણની સ્થિતિ વચ્ચે કચ્છના દરિયાની નજીકથી 'તૌકતે' વાવોઝોડું પસાર થાય તેવી શકયતા છે. ત્યારે રાજય સરકાર સાથે કચ્છનું વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તો, જખૌ સહિતના કચ્છના દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ છેલ્લા બે દિવસથી બાજનજર રાખી માછીમારોને કિનારે આવવા સૂચના આપી રહ્યું છે.

કોસ્ટગાર્ડનું મીની એરક્રાફટ તેમ જ બોટ સતત પેટ્રોલિંગ કરી માછીમારોને વાવાઝોડા સામે સાવધાન રહેવા માઈક ઉપર જાહેરાત કરી રહ્યા છે. તો, જિલ્લાની મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા માછીમારોને પરત આવવા સૂચના આપી અને નવા ટોકન બંધ કરી દેવાયા છે.

અત્યાર સુધીમાં ૧૯૪ પૈકી ૧૩૫ માછીમારી બોટ કિનારે આવી ગઈ છે. બાકીની ૫૯ બોટને પણ કિનારે આવી જવા તાકીદ કરાઈ છે. દરમ્યાન પ્રભારી સચિવ અને કલેકટર દ્વારા સમીક્ષા બેઠક અંતર્ગત જરૂરત પડ્યે માછીમારોનું સ્થળાંતર કરવાની પૂર્વ તૈયારીઓ અંગે પણ તૈયારી વિશે પણ ચર્ચા થઈ ચૂકી છે.

(1:08 pm IST)