સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

કોરોના ઇફેકટ : વિવિધ રાજ્યમાં લોકડાઉનથી મોરબી સિરામિકનું ડોમેસ્ટિક માર્કેટ ઠપ્પ : ૯૦ જેટલા યુનિટ બંધ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૪ : કોરોના મહામારીને પગલે દેશના અનેક રાજયમાં લોકડાઉન અથવા આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે જેના પગલે મોરબીના સિરામિક ઉદ્યોગનું લોકલ માર્કેટ ઠપ્પ બન્યું છે અને ડીમાંડ નહિ હોવાથી ઉત્પાદન પર કાપ મુકવાની ફરજ પડી છે જેના પગલે ૯૦ જેટલા સિરામિક એકમો બંધ છે અને આગામી દિવસોમાં સ્થિતિ ના સુધરે તો વધુ એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામશે.

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ છે જેના પગલે મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજયોમાં સ્થિતિ વણસી છે અને બેકાબુ બનેલી સ્થિતિને પગલે સરકાર દ્વારા લોકડાઉન લગાવવામાં આવ્યા છે જેથી વિવિધ રાજયમાં લોકડાઉનને પગલે આવશ્યક સિવાયની ચીજવસ્તુઓની દુકાનો બંધ છે જેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી છે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત મુજબ કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર સહિતનાં રાજયની અંદર હાલમાં લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન અમલમાં છે જેથી વેપારીઓ દ્વારા નવો માલ મંગાવવામાં આવતો નથી જેથી ૩૦ ટકા જેટલું લોડિંગ દરેક કારખાનાની અંદર ઘટી ગયું છે અને લોડિંગ ઘટી ગયું હોવાના કારણે મોટા ભાગના કારખાનાની અંદર ગોડાઉનમાં તૈયાર માલનો ભરાવો જોવા મળે છે પરિણામ સ્વરૂપ કારખાનેદારોએ પોતાના કારખાનાની અંદર ૩૦ ટકાથી લઈને ૫૦ ટકા સુધી ઉત્પાદનમાં કાપ મૂકી દીધો છે

કેરળમાં ૨૫% ઉત્પાદન સપ્લાય થતું પણ હાલ બંધ થયું

મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસોના પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે મોરબી સિરામિક ઉદ્યોગ માટે કેરળ બહુ મોટું માર્કેટ છે સિરામિક ઉત્પાદનના ૨૫ ટકા જેટલા માલની સપ્લાય કેરલમાં કરાતી હોય છે જોકે હાલ માંગ ના હોવાથી કેરલમાં માલની સપ્લાઈ બંધ છે જેથી ઉત્પાદન પર કાપ મુકવો પડ્યો છે

ઉત્પાદન પર કાપ મુકવાથી ગેસનો વપરાશ ૪૦ ટકા ઘટ્યો, બીલ તો ભરવું જ પડે

મોરબી સિરામિક ઉદ્યોગ ગુજરાત ગેસ સાથે નેચરલ ગેસ માટે કરાર કરે છે અને કરાર આધારિત કામ રહેતું હોય છે હાલ માંગ ઘટી જવાથી ઉત્પાદન પર કાપ મુકવામાં આવ્યો છે જેથી ગેસનો વપરાશ તો ઘટ્યો છે પરંતુ બીલ તો છતાં પણ ભરવું પડે છે જેથી એકમના સંચાલકોને બેવડો માર સહન કરવો પડે છે તેમ મોરબી વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું હતું.

શ્રમિકો પોતાના વતનમાં જતા હોવાથી પણ મુશ્કેલી

મોરબી સિરામિક ઉદ્યોગમાં દેશના વિવિધ રાજયમાંથી શ્રમિકો મજુરી માટે આવતા હોય છે અને કોરોના બીજી લહેરમાં પણ શ્રમિકોએ શરૂઆતથી પોતાના વતન ભણી દોટ મૂકી હતી અને શ્રમિકો વતનમાં જતા રહેતા હોવાથી પણ સિરામિક ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેક ફેકટરીમાં શ્રમિકો ના હોવાથી તેની સીધી અસર ફેકટરીના ઉત્પાદનથી લઈને લોડીંગ સુધીના કામ પર પડતી હોય છે.

(12:55 pm IST)