સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

‘તૌકતે’ વાવાઝોડા સંદર્ભે કચ્છમાં તંત્રનું એલર્ટ- કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા તાકીદ:સલામતીની કામગીરી સમયે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા સુચના

(વિનોદ ગાલા, ભુજ) 'તૌકતે' વાવાઝોડાની સંભાવના વચ્ચે જિલ્લા કલેકટરે સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચના પ્રસારિત કરી છે. આ સૂચના આ પ્રમાણે છે, આથી જિલ્લામાં આવેલ રાજય સરકારશ્રીની કચેરીઓના વડાઓને સૂચિત કરવામાં આવે છે કે રાહત કમિશનરશ્રી અને અધિક સચિવશ્રી મહેસુલ વિભાગ,ગાંધીનગરના તારીખ ૧૨/૫/૨૦૨૧ ના પરિપત્ર અને વિગતે ભારતના હવામાન વિભાગે આપેલા બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલ છે જેના સંદર્ભમાં સાવચેતી અને સલામતીના પગલાં કોવિડ પ્રોટોકોલ સાથે સુનિશ્ચિત કરવાના થાય છે. જે અંગે વિગતવાર સૂચના તારીખ ૧૨/૫/૨૦૨૧ ના વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવેલ મીટીંગમાં આપવામાં આવેલ છે. જે મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. આવા સંજોગોને ધ્યાને લેતા જિલ્લાના તમામ અધિકારીશ્રી/કર્મચારીઓએ આગામી ૨૦/૫/૨૦૨૧ સુધી કલેક્ટરશ્રીની પરવાનગી વિના હેડક્વૉર્ટર નહિં છોડવા જણાવવામાં આવે છે તથા તેમ કરવામાં ચૂક થશે તો સંબંધિત અધિકારીશ્રી/કર્મચારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી કરવામાં આવશે જેની સ્પષ્ટ નોંધ લેવા કલેકટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જણાવવામાં આવેલ છે.

(4:37 pm IST)