સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

મોરબી મંત્રી મેરજાની ઉપસ્થિતિમાં સરપંચ સંવાદ કાર્યક્રમ : નાગરિકોને યોજનાઓનો લાભ અપાવવાની હાંકલ.

દરેક યોજનાની માહિતીઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવા સરપંચોને અપીલ

મોરબી-માળીયા વિસ્તારના સરપંચ સંવાદ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર , પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ રાજ્ય સરકાર હસ્તકની વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપીને સ્થાનિક સ્તરેથી જ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવા સરપંચોને પ્રોત્સાહિત કર્યા હતા.

મોરબી ટાઉનહોલ ખાતે આજે સરપંચ સંવાદ કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી છે તે માહિતી ખરેખર લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવા સરપંચોને અપીલ કરી હતી. વધુમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શ્રમિકયોગીઓ પ્રત્યે જે ખેવના વ્યક્ત કરી છે તે મુજબ છેવાડાના માનવીને મળતા લાભો સરપંચો થકી મળે તો સૌભાગ્યની વાત કહેવાય.
સરપંચ સંમેલન અંતર્ગત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સભ્ય સચિવ કિશોરભાઇ ભાલોડીયાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના, શિક્ષણ સહાય, પ્રસુતી સહાય યોજના, ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, આકસ્મિક મૃત્યુ સહાય, અંત્યેષ્ઠી સહાય યોજના, નાનાજી દેશમુખ આવાસ યોજના, સ્થળાંતરીત થતા બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ, શ્રમિક પરિવહન યોજના, હાઉસીંગ સબસીડી યોજના સહિતની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ યોજનાઓનો વધુને વધુ શ્રમિકો લાભ લે તે માટે ગામના સરપંચોને પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. અને સ્થાનિક શ્રમિકો સુધી સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે અંગે આયોજન હાથ ધરવા પણ અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કબીરધામ જગ્યાના મહંત શીવરામદાસ બાપુએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. ફેક્ટરી ઇન્સપેક્ટર પાર્થ કલસરીયાએ શાબ્દીક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું.
ટાઉનહોલ ખાતે યોજાયેલ સરપંચ સંવાદ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર પરાગ જે. ભગદેવ, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કબીરધામ જગ્યાના મહંત શીવરામદાસ બાપુ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, અગ્રણી જયંતીભાઇ પડસુંબીયા, બાબુભાઇ હુંબલ, હિરાભાઇ ટમારીયા , સુરેશભાઇ દેસાઇ, પ્રવિણભાઇ સોનગ્રા, જિગ્નેશભાઇ કૈલા તેમજ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા, નાયબ શ્રમ આયુક્ત ડી.જે. મહેતા, શ્રમ અધિકારી દિશાબેન કાનાણી સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મોરબી-માળીયાના સરંપચો ઉપસ્થિત રહ્યા હતા.

 

(1:16 pm IST)