સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

કચ્છના રાજ પરિવારના મોભી તરીકે હનવંતસિંહની તિલક વિધિ : મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગ પરિવારના હસ્તે રક્ત તિલક, અખિલ ભારતીય ક્ષત્રિય સભા વતી અરવિંદસિંહ મેવાડનાએ રાજ પરંપરા ચાલુ રાખવાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું

(વિનોદ ગાલા દ્વારા)(ભુજ::: કચ્છના રાજ પરિવારના મોભી તરીકે હનવંતસિંહ જાડેજાની તિલક વિધિ રાજવી પરંપરા મુજબ સંપન્ન કરાઈ છે. ગઈકાલે રવિવારે ભુજના શરદબાગ પેલેસ મધ્યે મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગ પરિવારના ધરમશીભાઈના હસ્તે રક્ત તિલક સાથે આ વિધિ કરાઇ હતી. કચ્છના રાજ પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનું ગત ૨૮/૫ ના નિધન થયું હતું. ત્યારબાદ તેમની પાછળ રાજ પરંપરા ચાલુ રહેવી જોઈએ એવો સૂર અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા વ્યક્ત કરાયો હતો અને તે સંદર્ભે મહાસભા વતી અરવિંદસિંહ મેવાડનાએ અખબારી યાદી બહાર પાડી હતી. દરમ્યાન હનવંતસિંહ પરિવાર દ્વારા જણાવ્યા મુજબ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ૬/૯/૧૯૭૦ ના આદેશ મુજબ કચ્છના મહારાવ મદનસિંહજીના તમામ ખિતાબો ટાઇટલ સમાપ્ત કરાયા હતા. ત્યારબાદ સરકારે કોઈને પણ મહરાવની પદવી એનાયત કરી નથી. એટલે કચ્છના અંતિમ મહારાવ મદનસિંહજી હતા. તેમનું ૨૧/૬/૧૯૯૧ ના નિધન થયા બાદ તેમના જ્યેષ્ઠ પુત્ર પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રાગમલજી ત્રીજાને રાજ પરિવારની ગાદી ઉપર મોભી તરીકે બેસાડવામાં આવ્યા હતા. તાજેતરમાં ૨૮/૫ ના તેમનું નિધન થતાં પરંપરા ને જાળવી રાખી મહારાવ મદનસિંહજીના નાના પુત્ર હનવંતસિંહની રાજ પરિવારના મોભી તરીકે તિલક વિધિ કરાઈ છે. તિલકવિધિ બાદ માતાના મઢ જાગીરના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ હનવંતસિંહને રાજ પરિવારના મોભી તરીકે પાઘડી પહેરાવી હતી. શાસ્ત્રી કૃપાલ મહારાજે પૂજનવિધિ કરાવી હતી. ત્યારબાદ મોતી જડિત તલવાર હનવંતસિંહ ને અર્પણ કરાઈ હતી. કોરોના ગાઈડ લાઈનમાં પાલન સાથે સાદગીપૂર્ણ રીતે યોજાયેલ આ કાર્યક્રમમાં હનવંતનસિંહના પત્ની રોહિણીદેવી, પુત્ર પ્રતાપસિંહ, રાજ પરિવારના અનિરુદ્ધસિંહ, મેઘદીપસિંહ, ત્રિશુલીનીકુમારી, શાલીનીકુમારી, રઘુરાજસિંહ, દેવેન્દ્રસિંહ, માધવીબા ઉપરાંત ક્ષત્રિય અગ્રણી નારાણજી કલુભા જાડેજા, ખેંગારજી વેલુભા જાડેજા, ભરતસિંહ વી. જાડેજા, વિક્રમસિંહ જોરુભા જાડેજા, એડવોકેટ યોગેશ ભાંડારકર, પ્રવિણસિંહ રૂપસંગજી વાઢેર, ચાર્ટડ એકાઉન્ટન્ટ મહેશ અંજારિયા, દેવરાજ ગઢવી, પૂર્વ ધારાસભ્ય મોહન શાહ, ડો. રામ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ પબુ ગઢવી 'પુષ્પ' એ કર્યું હતું.

(10:10 am IST)