સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th June 2022

પોરબંદર પાસે દરિયામાં તણાય ગયેલ જામનગરના ધ્રુવનો મૃતદેહ મળ્યો

જામનગરનો ત્રિવેદી પરિવાર પોરબંદર જતા રસ્તામાં ખીમેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા રોકાયેલ અને દરિયાના પાણીમાં સેલ્ફી લેતા તણાયા હતા : તણાય ગયેલાઓમાં ૨ મહિલા સહિત ૮ સભ્યો બચી ગયેલ અને ૮ વર્ષનો ધ્રુવ લાપતા બની ગયેલ હતો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ : જામનગરના ત્રિવેદી પરિવારના સભ્યો પોરબંદર જઇ રહેલ ત્યારે રસ્તામાં કુછડી દરિયાકાંઠે ખીમેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને દરિયાના પાણીમાં સેલ્ફી લેવા જતા ત્રિવેદી પરિવારના ૯ સભ્યો તણાય ગયેલ અને ગ્રામ્યજનોની મદદથી પરિવારના ૮ સભ્યોનો બચાવ થયેલ. જ્યારે ૮ વર્ષનો ધ્રુવ ત્રિવેદી નામનો બાળક દરિયામાં લાપતા બન્યા બાદ ધ્રુવનો મૃતદેહ કુછડી કાંઠેથી ફાયરબ્રિગેડને મોડી રાત્રીના મળી આવેલ હતો.

કુછડીના દરિયાના પાણીમાં 'સેલ્ફી' ફોટા લેવા જતા તણાયને લાપતા બની ગયેલ જામનગરના ધ્રુવ ત્રિવેદીની શોધ માટે પોરબંદરની ફાયરબ્રિગેડની ટીમ કામે લાગી હતી અને મોડી રાત્રીના કુછડી દરિયાકાંઠે ધ્રુવનો મૃતદેહ મળી આવતા ગમગીની છવાય ગઇ હતી.

કુછડી દરિયાકાંઠે મળી આવેલ ધ્રુવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલે મોકલી આપેલ છે. જામનગરના ત્રિવેદી પરિવારના સભ્યો દરિયામાં પગ બોળીને ફોટોગ્રાફી બાદ સેલ્ફી લેવા જતાં ત્રિવેદી પરિવારના ૨ મહિલાઓ સઞિત ૯ સભ્યો દરિયાના પાણીમાં મોજુ આવતા તણાયેલ અને તે સમયે ગ્રામ્યજનો આવીને પરિવારના ૮ સભ્યોને બચાવી લીધા હતા. જ્યારે પરિવારના ૮ વર્ષના ધ્રુવ ત્રિવેદી દરિયાના મોજામાં તણાઇ જતાં લાપતા થઇ ગયેલ ધ્રુવનો મૃતદેહ ગઇકાલે મોડી રાત્રીના દરિયાકાંઠેથી ફાયરબ્રિગેડને હાથ લાગ્યો હતો.

(2:01 pm IST)