સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

મોરબી જિલ્લાના શિક્ષકો માટે ‘રાષ્‍ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ' અંતર્ગત ઓનલાઇન તાલીમ કાર્યક્રમ યોજાયો

મોરબી,તા. ૧૪: ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી વિભાગ - ગાંધીનગર પ્રેરિત ‘આર્યભટ્ટ' લોક વિજ્ઞાનકેન્‍દ્ર દ્વારા મોરબી જિલ્લાના શિક્ષકો માટે ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ - ૨૦૨૧' અંતર્ગત ઓનલાઇન તાલીમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

જેમાં તજજ્ઞ તરીકે ડો.સંજયભાઈ પંડ્‍યા (પ્રોગ્રામ ઓફિસર, એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્‍દ્ર-ધ્રોલ, જામનગર) દ્વારા કાર્યક્રમમાં સામેલ થનાર તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ખૂબ જ સરળ ભાષામાં આ વર્ષની મુખ્‍ય થીમ (સાયન્‍સ ફોર સસ્‍ટેનેબલ લિવિંગ) અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. આ ઓનલાઇન તાલીમમાં જિલ્લાકક્ષા, રાજયકક્ષા અને રાષ્ટ્રીયકક્ષા સુધી વિદ્યાર્થી પોતાનો પ્રોજેક્‍ટ કઈ રીતે લઇ જઇ શકે એ માટે ખૂબ જ ઝીણવટભરી માહિતી આપવામાં આવેલ. વિદ્યાર્થીએ પોતાની પ્રાદેશિક સમસ્‍યા પસંદ કરવી, પ્રોજેક્‍ટનું લખાણ સ્‍વહસ્‍તાક્ષરમાં જ લખવું, રિપોર્ટ ફાઇલ કઈ રીતે તૈયાર કરવી, પ્રોજેકટ કઈ રીતે રજૂ કરવો વગેરે જેવી બાબતો અંગે તાલીમ પુરી પાડવામાં આવેલ. ઉપરાંત રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચેલ પ્રોજેક્‍ટનું નિદર્શન પણ કરવામાં આવ્‍યું હતું.

ᅠઆ ઓનલાઇન તાલીમી કાર્યક્રમમાં મોરબી જિલ્લાના ૨૮૫ જેટલા શિક્ષકો સામેલ થયા હતા. આ તાલીમી કાર્યક્રમમાં સામેલ થનાર તમામ શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ તજજ્ઞ ડો.સંજયભાઈ પંડ્‍યાનો ‘આર્યભટ્ટ' લોક વિજ્ઞાનકેન્‍દ્ર ના ડિસ્‍ટ્રીકટ કો-ઓર્ડીનેટર - એલ.એમ.ભટ્ટ, ડિસ્‍ટ્રીક્‍ટ એકેડેમિક કો-ઓર્ડીનેટર - દીપેન ભટ્ટ અને ડિસ્‍ટ્રીક્‍ટ સાયન્‍સ કોમ્‍યુનિકેટર - રવિ ધ્રાંગધરીયા દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવેલ.

(10:14 am IST)