સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

કચ્છમાં મૂંગા પશુઓ માટે આકાશી વીજળી બની વેરણઃ ૬૦ બકરા એક ભેંસનો ભોગ લીધો

વરસાદ વચ્ચે પૂર્વથી પશ્ચિમ કચ્છ સુધી વીજળીના કડાકા ભડાકા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : કચ્છમાં ત્રણ દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે સતત વીજળીની ગાજવીજ અને કડાકા ભડાકા થઈ રહ્યા છે. આજે આકાશી વીજળી માલધારીઓ માટે વેરણબની હતી. પશ્ચિમ કચ્છમાં માતાના મઢ ગામના સીમ વિસ્તારમાં સોઢા કેમ્પ ઉપર કડાકા સાથે વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાથી માલધારી લીલાજી હીરાજી સોઢાની માલિકીના ૬૦ જેટલા બકરાના મોત નીપજયાં હતા.

આ બનાવના પગલે લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. જયારે સદ્દભાગ્યે વીજળી પડી ત્યારે થોડે દુર જ ઉભેલા માલધારીનો આબાદ બચાવ થયો હતો. તો, પશ્ચિમ કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામના ડુંગર વિસ્તારમાં પણ વીજળીએ એક ભેંસનો ભોગ લીધો હતો. હાજી ઓસ્માણ ખાસકેલીનામના માલધારીની અંદાજિત ભેંસનું મોત નીપજયું હતું. વીજળી પડવાની આ ઘટનામાં ચોપગા મૂંગા પશુઓના મોતના સમાચારે ભારે અરેરાટી ફેલાવી છે. ભુજના માધાપર ગામે પણ વીજળી ત્રાટકતાં મહાકાય વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું હતું.

બીજી તરફ ભચાઉ તાલુકાના ચોબારી ગામના ડુંગર વિસ્તારમાં પણ વીજળી પડવાથી ચોબારીના ખાસકેલી હાજી ઓસ્માણ નામના માલધારીની અંદાજિત રૂ. ૪૦ હજારની ભેંસનું મોત નીપજયું હતું. વીજળી પડવાની આ ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી હતી. વરસાદની ખુશી પણ વીજળી પડવાથી ગમમાં પરિવર્તિત થઈ ગઈ હતી.

(11:10 am IST)