સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

દાઉદી વ્હોરા સમાજ સોમવારના ઇદુલ અદહાની ઉજવણી કરશે

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ૧૪ :.. વિશ્વભરમાં વસતાં દાઉદી વ્હોરા સમાજના વ્હોરા બિરાદરો આગામી તા. ૧૯ જુલાઇને સોમવારના રોજ પોતપોતાના ઘરોમાં ઇદ ઉલ અદહાની નમાઝ અદા કરશે આ અંગે રાજકોટ - જામનગર - જુનાગઢ - પોરબંદર - અમરેલી - બોટાદ-મોરબી-સુરેન્દ્રનગર-ગીર સોમનાથ-દ્વારકા જેવા જિલ્લાથી માંડી જસદણ-વિંછીયા જેવડાં તાલુકા મથક સુધીના ગામેગામના સમાજના બિરાદરોમાં થનગનાટ પ્રવર્તી રહ્યો છે.

કોરોનાનું સંક્રમણ ન ફેલાઇ અને જે તે દેશની સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપણે  પાલન કરવાનો આદેશ દાઉદી વ્હોરા સમાજના પ૩ માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન (ત.ઉ.શ.) એ ભારતમાં પ્રથમ કોરોના વાઇરસ ફેલાયો ત્યારથી કર્યો કે મસ્જિદો અને જમાતખાના બંધ કરવા તે આદેશને દાઉદી વ્હોરા બિરાદરો આજ સુધી અનુસરી રહ્યાં છે.

ઇદ ઉલ અદહા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત ઇબ્રાહીમ સાહેબના અનુસરણથી પોતાના સુપત્ર હઝરત ઇસ્માઇલ સાહેબની યાદમાં ઉજવાય છે. પવિત્ર લેખાતી આ ઇદે સોમવારે સવારે વ્હોરા બિરાદરો પોતપોતાના ઘરે ફજર અને ઇદની નમાઝ અદા કરી ઉજવણી કરશે ત્યારબાદ દેશ-વિદેશમાં કોરોનાની ભયાનક બિમારી નાબૂદ થાય અને પોતાના માનવતાવાદી ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે દુઆ પ્રાર્થના કરી ઇદની ઉજવણી સંપન્ન કરશે.

આ ઝીલહજ માસમાં દરેક શ્રીમંત મુસ્લિમો માટે હજ ફરજીયાત છે પણ સતત બીજા વર્ષે પણ કોરોનાની પનોતીએ પીછો ન છોડતાં કેટલાંય દેશોના મુસ્લિમોએ હજયાત્રા મોકૂફ રાખવી પડી છે. ઉલ્લેખનીય છે કે દાઉદી વ્હોરા સમાજના વડા તાજદાર ડો. સૈયદના સાહેબ હાલ ટાંનઝાનીયાં દેશના દારેસ્સલામ શહેરમાં છે આ દિવસે એમનું ધર્મ પ્રવચન સેટેલાઇટ મારફત થાય એવી શકયતાઓ છે.

(11:34 am IST)