સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

રામપર ગામમાં ગાય-ભેંસ વર્ગના પ૦૦ પશુઓને કાને કડી લગાવાઇ

પશુઓની ઓળખ માટે આધાર યોજના જેવી કાને કડી લગાવવાની યોજના

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૪ :.. ભારત સરકારશ્રી દ્વારા નિયત થયેલ ૧ર આંકડાના બારકોડેડ પ્લાસ્ટીકની કડી તેમના કાનમાં પહેરાવી, જે તે પશુ માલીકના નામ, મો. નંબર સામે એનડીડીબી દ્વારા ખાસ વિકસાવેલ 'ઇનાફ પોર્ટલ' પર તેની નોંધણી કરવામાં આવે, જે રાષ્ટ્રીય કાર્યક્રમ ગુજરાત સરકારશ્રીના પશુપાલન ખાતુ ગાંધીનગર દ્વારા તમામ જિલ્લામાં અમલવારીના ભાગરૂપે ચાલુ છે. આ કાર્યક્રમથી દરેક પશુપાલકોને પોતાના તમામ ગાય-ભેંસ વર્ગના પશુઓની માલિકી, તંદુરસ્તી અને ઉત્પાદન સંબંધી તમામ વિગતો જેવી કે પશુઓમાં રસીકરણ, સારવાર, પશુરોગ નિદાન, પશુનું નોંધાયેલ ઉત્પાદન, કૃત્રિમ બીજદાન, પશુની ગાભણ અવસ્થા, પશુ વિયાણ તથા બચ્ચા ઉછેર અંગેની વિવિધ માહિતી પશુપાલકના આંગણીના ટેરવે પોતાના જ મોબાઇલ પર ભારત સરકારશ્રી દ્વારા ખાસ વિકસાવેલ 'ઇ-ગોપાલા' એપ થકી જાતે મેળવી શકે છે.

હાલ, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત -જામનગર તથા પશુપાલન ખાતુ (ગુ. રા.) ગાંધીનગરની સંયુકત ભગીરથ પ્રયાસોથી આપણે જામનગર જિલ્લાના આશરે સવા લાખ પશુઓને જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડો. અનિલ સી. વીરાણીના નેજા હેઠળ પશુના કાનમાં પ્લાસ્ટીકની કડી પહેરાવવાનો ઝૂંબેશના સ્વરૂપેનો કાર્યક્રમ કરી તમામ પશુઓને ઓનલાઇન પશુઓને રજીસ્ટર કરેલ છે.

ગઇ કાલ જામનગર તાલુકાના રામપર ગામે સ્ટેટ અધિકારી ડો. અમીત કાનાણીના વડપણ હેઠળ અંદાજે છે ૫૦૦ પશુઓને કાનમાં કડી પહેરાવવાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ. જેમા ખાસ કરીને રામપર ગામના સરપંચશ્રી રાહુલભાઈ જાટીયા દ્વારા અંગત રસ દાખવી સૌપ્રથમ પોતાના પશુ, બાદમાં ગામના દરેક પશુ પાલકોના તમામ પશુઓને સમજુતી કરીને કાનમાં કડી પહેરાવીને ઓનલાઈન પશુઓને રજીસ્ટર કરવામાં આવેલ.

હજુ જામનગર જિલ્લામાં આ રાષ્ટ્રીય કામગીરી તા. ૩૧મી જુલાઈ સુધી ચાલુ છે. જેથી જિલ્લાના બોસે અધિકારી ડો. વીરાણી દ્વારા અનુરોધ છે કે બાકી રહેલ તમામ પશુપાલકો સત્વરે પોતાના પશુઓ કાનમાં કડી પહેરાવી, પોતાના પશુઓને ઓનલાઈન પોર્ટલ-પર રજીસ્ટર કરાવે. જેનાથી પશુઓને બિમારી સમયે તથા પશુ ગુમ થવા સમયે કાને લગાવવામાં આવેલ કડી પશુઓને ઓળખવામાં ખૂબ ઉપયોગી થશે. જેથી દરેક પશુપાલક આ રાષ્ટ્રીય યોજનામાં સહભાગી થઈ પોતાના, તમામ પશુઓને ઇનાફ પોર્ટલ પર રજીસ્ટર કરાવે.

(12:53 pm IST)