સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી : કોરોનાકાળમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર અમરેલી ના ખડાધારની પાયલને પાસે બોલાવી વાતચીત કરી : ખાંભાના ખડાધારના કોરોનાથી નિરાધાર બનેલ બાળકો મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને મોકળા મને સંવાદ કાર્યક્રમમાં રૂબરૂ જોડાયા

વિજયભાઈ રૂપાણીએ પાયલને પૂછ્યું પાયલ તારે મોટી થઈને શું બનવું છે? પાયલે કહ્યું શિક્ષક. મુખ્યમંત્રીશ્રી કહ્યું વાહ વાહ, શિક્ષક થઈને બાળકોને બેન્ચ ઉપર ઉભા રાખીશ કે ભણાવીશ? મુખ્યમંત્રીએ મોકળા મને કાર્યક્રમમા પીઠ થપથપાવી

અમરેલી તા.૧૪ , મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પાયલને પૂછ્યું પાયલ તારે મોટી થઈને શું બનવું છે? પાયલે કહ્યું શિક્ષક. મુખ્યમંત્રીશ્રી કહ્યું વાહ વાહ, શિક્ષક થઈને બાળકોને બેન્ચ ઉપર ઉભા રાખીશ કે ભણાવીશ? આ વાર્તાલાપ હતો તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીના ઘરે યોજાયેલ મુખ્યમંત્રી સાથે મોકળા મને કાર્યક્રમ વખતનો. મુખ્યમંત્રીશ્રીએ કોરોનાકાળમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર પાયલને પાસે બોલાવીને વાતચીત કરી પીઠ થપથપાવી હતી.

અમરેલીના ખાંભા તાલુકાના ખડાધાર ગામના ગુણવંતભાઈ જાદવના નાનાભાઈ અને એમના ધર્મપત્નીનું કોરોનાકાળમાં દુઃખદ અવસાન થતા રાજ્ય સરકાર દ્વારા મૃતક દંપતીના ત્રણેય બાળકોને સહાય આપવામાં આવી હતી. કોરોનાકાળમાં નિરાધાર બનેલ નયન આઠમા, પાયલ સાતમા અને મોનીકા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે. નિરાધાર બાળકો પ્રત્યે પિતૃવત્સલ સંવેદના પ્રગટ કરીને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આવા અનાથ-નિરાધાર બાળકોને ૧૮ વર્ષની વય સુધી દર મહિને રૂ. ૪૦૦૦ ની સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીએ ગુણવંતભાઈને આ બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા જણાવી તાજેતરમાં આવેલા વાવાઝોડામાં થયેલા નુકસાનની માહિતી મેળવી ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત વાવાઝોડા અંતર્ગત મળવાપાત્ર સહાય માટે ફોર્મ ભર્યા છે કે કેમ અને જો ન ભર્યા હોય તો સ્થાનિક મામલતદારનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

ગુણવંતભાઈ જાદવે મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી બાળ સેવા યોજના દ્વારા અમારા બાળકોની ચિંતા કરવા બદલ મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે કોરોનાકાળમાં મારા નાનાભાઈ અને એમના ધર્મપત્ની બંનેનું દુઃખદ અવસાન થતા એમના ત્રણેય બાળકોની છત્રછાયા છીનવાઈ હતી. ત્યારે અમે અતિ ચિંતિત હતા કે આવી પરિસ્થિતિમાં હું નાના ભાઈના ત્રણેય બાળકોને અને મારા બે બાળકો એમ પાંચ બાળકોને કેવી રીતે ભણાવીશ, મોટા કરીશ અને ગુજરાન ચલાવીશ. સામાન્ય રત્નકલાકાર હોવાથી મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી. આવી ગંભીર પરિસ્થિતિમાં રાજ્ય સરકારે અમારી ચિંતા કરી આ યોજના અંતર્ગત સહાય આપી બાળકોનો સારી રીતે ઉછેર કરવા પ્રેરણા આપી છે. 

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત દર માસે રૂપિયા ૪૦૦૦ જમા થાય છે. કોરોના સમય ગાળામાં બંને માતા-પિતા ગુમાવેલ બાળકો માનસિક રીતે પડી ન ભાંગે અને બાળકોને જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના બંગલા પર “મનની મોકળાસ’ કાર્યક્રમ અંતર્ગત સંવાદ‌ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શૈક્ષણિક સ્કુલ બેગ અને ફોટો ફ્રેમ આપી તેઓને પ્રેમથી જમાડવામાં આવ્યા હતા. 

મોકળા મને સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ યોજના લાભ લેવા માટે ૧૮ વર્ષની વયમર્યાદા હતી જે વધારીને ૨૧ વર્ષ કરી હતી .આ યોજનાનો લાભ મેળવવા માટે અમરેલી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ઓફીસનો સંપર્ક કરી શકાશે.

આલેખન :

સુમિત ગોહિલ, જિલ્લા માહિતી કચેરી, અમરેલી

(3:27 pm IST)