સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

દિવ્યાંગ લગ્ન સહાય યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં ત્રણ માસમાં ૨૦ દિવ્યાંગ લાભાર્થીઓને સહાયનો લાભ: દંપતી દિવ્યાંગ હોય ત્યારે રૂપિયા એક લાખ આર્થિક સહાય પ્રાપ્ત થાય

રાજકોટ, તા.૧૪,  : દિવ્યાંગ લગ્ન સહાય યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં એપ્રિલ થી જૂન – ૨૦૨૧ ના માસ દરમિયાન રાજકોટ જિલ્લાના ૨૦ દિવ્યાંગ લાભાર્થીઓની લગ્ન સહાયની અરજીઓ મંજુર કરવામાં આવી છે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરી ગૌસ્વામીએ જણાવ્યુ હતું.

આ યોજના અંતર્ગત તારીખ ૨૫-૫-૨૦૧૬ બાદ લગ્ન થયેલ દંપતી પૈકી એક જ વ્યક્તિના વિકલાંગતાના કિસ્સામાં રૂપિયા ૫૦ હજાર આર્થિક સહાય મળવા પાત્ર થાય છે, જ્યારે દંપતી વિકલાંગ હોય તેવા કિસ્સામાં રૂપિયા એક લાખ આર્થિક સહાય મળે છે.

આ યોજનાની સહાય મેળવવા માટે કન્યાની ઉંમર ૧૮ વર્ષથી વધુની અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ. લાભાર્થી વિકલાંગતા ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઇએ.

 

આ યોજના હેઠળ વિવિધ કેટેગરીમાં વિકલાંગતાની ટકાવારીને ધ્યાને લઈ સહાય મળવાપાત્ર થાય છે. ૫૦ ટકા કે તેથી ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા,  બૌધ્ધિક અસમર્થતા, હિમોગ્લોબીનની ઘટેલી માત્રા, દીર્ધકાલીન એનેમિયા, માનસિક બિમાર, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશક્તતા, ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ બહેરા, અંધત્વ સહિત અનેક અંપગતાવાળા દિવ્યાંગ વ્યક્તિઓને સહાય મળવાપાત્ર છે.

 

૪૦ ટકા કે તેથી વધુ આનુવાંશિક કારણોથી થતો સ્નાયુ ક્ષય, રક્તપિત્ત- સાજા થયેલા, એસીડ એટેકના ભોગ બનેલા, હલન ચલન સાથેની અશક્તતા, સેરેબલ પાલ્સી, વામનતા, બહુવિધ સ્કલેરોસિસ- શરીરની પેશીઓમાં કઠણ થવાની વિકૃતિ વાળા દિવ્યાંગ વ્યક્તિને સહાય મળવાપાત્ર છે.

 

 આ યોજનાનો લાભ તમામ વર્ગની બહેનોને મળવાપાત્ર થાય છે. અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી મેળવી ફોર્મ ભરી રજુ કરવાનું રહેશે. અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવામાં વિકલાંગ ઓળખકાર્ડ અથવા સિવિલ સર્જનનો વિકલાંગતાના દાખલાની પ્રમાણિત નકલ, બંનેના શાળા છોડયાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, રેશનકાર્ડની પ્રમાણિત નકલ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની માહિતી, બંને વિકલાંગ હોય તો બંનેના ઓળખકાર્ડ, સંયુક્ત ફોટા લગ્નની કંકોત્રી(વિધિ દર્શાવતો), લગ્ન રજીસ્ટ્રાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલી નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, રૂ.૨૦ના સ્ટેમ્પ પર સોગંદનામુ અરજીપત્રક સાથે આપો નમુના મુજબનો આપવાનો રહેશે.

(9:13 pm IST)