સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

જામનગરમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં ધુસીને છરીની અણીએ રોકડ અને સોનાના દાગીના લૂંટી બે શખ્શો ફરાર

મીંગ કોલોનીમાં બે અજાણ્યા શખ્સ બુકાની પહેરીને ડોરબેલ વગાડી દરવાજા ખોલતા અંદર ઘુસીને વૃધ્ધાને છરી બતાવી

જામનગરના મીંગ કોલોનીમાં એકલા રહેતા વૃધ્ધામાં ઘરમાં ધુસીને બે શખ્સોએ લૂંટ કરી હતી. છરીની અણીએ રોકડ અને દાગીનાની લૂંટ કરીને બે શખ્સ નાસી ગયા. પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક આવેલા મીગ કોલોની વિસ્તારમાં લુંટનો બનાવ બન્યો. એકલા રહેતા 81 વર્ષીય જયાબેન ઝવેરીના રહેણાક મકાનમાં બે શખ્સો ઘરમાં ઘુસીને છરી બતાવી અને બાદ પેટ પર છરી રાખીને લુંટ કરી હતી.

બે અજાણ્યા શખ્સ બુકાની પહેરીને ડોરબેલ વગાડી દરવાજા ખોલતા અંદર ઘુસીને વૃધ્ધાને છરી બતાવી હતી. અને ઘરમાંથી દાગીના તેમજ રોકડ લુંટીને નાસી ગયા હતા. મંગળવારના સાંજે સાડા નવ વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો લુંટીને નાસી જવામાં સફળ થયા હતા. ઘરમાંથી સોનાની બંગડી, ચેઈન, રોકડ મળી કુલ રૂપિયા છવ્વીસ હજારના સામાનની લૂંટ કરી હતી. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જયાબેન ઝવેરી તેના પતિ અરવિંદના અવસાન બાદ 16 વર્ષથી એકલા રહે છે. ભાણેજો સાથે મળીને કારખાનાનું કામકાજ પર દેખરેખ રાખે છે. વૃધ્ધા પોતાના મકાનમાં ઓછા સમય માટે આવતા હોય છે. જે અંગેની વિગત લુંટારૂ પાસે હતી. ડોરબેલ વાગતા પડોશી આવ્યા હોવાનુ અનુમાન કરીને દરવાજો વૃધ્ધાએ ખોલતા બે અજાણ્યા લુંટારોએ ઘરમાં પ્રવેશ કર્યો. હેબતાયેલા જયાબેનના મ્હોં પર હાથ દબાવવામાં આવ્યો હોય તેઓના શ્વાસ રુંધાવા લાગ્યા હતાં.

બાદ બંન્ને યુવાનોએ રોકડ અને દાગીના વિશે પુછયુ. સાથે જ જયાબેનના પેટ પર છરી મૂકી દીધી હતી. ગભરાઈ ગયેલા વૃદ્ધાએ કબાટ સામે જોતાં જ આ શખ્સોએ કબાટમાંથી સોનાની બે બંગડી, એક ગ્રામનો સોનાનો ચેઈન, મોતીની માળા તથા રુપિયા દસ હજાર રોકડા કાઢી લીધાં હતાં. 20 મીનીટમાં લૂંટ કરીને બે યુવાન નાસી ગયા. વૃધ્ધાને પીવાનુ પાણી આપવાનુ કહી વૃધ્ધા પાણી લેવા જતા બંન્ને ત્યાંથી નાસી ગયા હતા. પોલીસ આસપાસના વિસ્તારમાં સીસીટીવી તપાસી આરોપીનાં સગળ મેળવવા પ્રયાસ કરી રહી છે.

(12:52 am IST)