સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

ગેસ પાઇપ લાઈન લિકેજથી આગ લાગતા ઘાયલ લોકોનું રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા : આંતર રાષ્ટ્રિય ડિઝાસ્ટર રિસ્ક રીડક્શન દિવસ નિમીતે

પડધરી પાસે કેમિકલ - ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર વિશે મોકડ્રિલ યોજાઈ એનડીઆરએફ, ફાયર, આરોગ્યની ટિમ દ્વારા કરાઈ હતી બચાવની ઉત્તમ કામગીરી

રાજકોટ તા.૧૩ જિલ્લા વહિવટી તંત્ર(ડિઝાસ્ટર સેલ), આઇસીઓએલ, બીપીસીએલ, જી.એસ.પી..એલ ગુજરાત ગેસ,, કમાન્ડન્ટશ્રી બટાલીયન-૬, એનડીઆરએફ, વડોદરા દ્વારા આંતર રાષ્ટ્રિય ડિઝાસ્ટર રિસ્ક રીડક્શન દિવસ નિમીતે કેમિકલ - ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર વિષય ઉપર મોક એકસરસાઇઝ પડધરી બાયપાસ, સ્ટેટ હાઇવે ઉપર રેલ્વે ઓવરબ્રિજની નીચે આઇઓસીએલ સલાયા-મથુરા પાઇપલાઇન ક્રોસીંગ લોકેશન ખાતે યોજાઈ હતી.

        આઇઓસીએલના અખિલ પટેલે કહ્યું હતું કે મોક ડ્રીલના ભાગરૂપે આજ સવારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ક્રૂડ ઓઈલની ચોરી કરવા પાઇપલાઇન તોડવામાં આવી હતી. જેથી લિકેજની જાણ અમારી સાત જેટલી પેટ્રોલિંગ પાર્ટીને જાણ કરાઈ હતી. અમારા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, ટ્રાફિક, આરોગ્ય, પી જી વી સી એલ ને જાણ કરાઈ હતી.જેથી વીજ પુરવઠો કટ થઈ જાય અને આગની દુર્ઘટના અટકાવી શકાય. 

       ડેમોના ભાગરૂપે  ગેસ લિકેજથી આગની દુર્ઘટના થતા એનડીઆરએફની ટિમ દ્વારા ઘાયલ લોકો- કર્મચારીઓનો બચાવ કાર્ય - રેસ્ક્યુ કરીને ૧૦૮ ની ટિમ દ્વારા સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા પાણી છાટીને આગ બુજાવવાના પ્રયાસો થયા હતા. ત્યારબાદ ગેસ લાઇનની રીપેરીંગની ટિમ દ્વારા કામ શરૂ કરાયું હતું.આમ બધું થાળે પડ્યાનું ક્લિયરન્સ મળ્યા બાદ દરેક ટીમે વિદાઈ લીધી હતી.

                આ તકે પડધરીના મામલતદાર ભાવના બિરોજા, ડિઝાસ્ટર મામલતદાર યુ.વી. કાનાણી ફાયર, ડીપીઓ અમરિન ખાન, પીએસઆઇ આર.જે.ગોહિલ, ઇન્ડસ્ટ્રી સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડો.ડી.પી.મોનપરા, IOCL ના સિનિયર મેનેજર હેમંત ભારદ્વાજ તથા અકિલ પટેલ, ફાયર અધિકારી સતિષકુમાર, એમ.બાલારાજુ,  ગુજરાત ગેસ લી.ના મેનેજર આશિષ સોલંકી, GSPL ના મેનેજર અમિતકુમાર, BPCL બોટલિંગ પ્લાન્ટના ચિરાગ પરમાર, ૧૦૮, પોલીસ, ટ્રાફિક પોલીસ સહિત સંબંધિત વિભાગના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો સહયોગ આપ્યો હતો.

 

(8:50 pm IST)