સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

ધોરાજીના રામપરાના વિદ્યાર્થીઓને શાળાએ જવા પાણી ભરેલ કોઝ-વેમાંથી પસાર થવું પડે છે

જોખમરૂપ કોઝ-વે પસાર કર્યા બાદ ભીના કપડે ભણવુ પડે છેઃ નબળા વર્ગના બાળકો ખાનગી સ્કૂલની ફી ભરી શકતા નથી

(ધર્મેન્દ્ર બાબરિયા દ્વારા) ધોરાજી, તા. ૧૪ :. રામપરા વિસ્તાર અને ચાંપાધાર વિસ્તારને જોડતો આ કોઝ વે છે અને રામપરા વિસ્તારથી ચાંપાધાર પ્રાથમિક શાળા એ જવા માટે રામપરા અને ચાંપાધાર વચ્ચે આવેલ નદીનો કોઝ વે નો ઉપયોગ રામપરા વિસ્તારના અંદાજીત ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે જીવના જોખમે રોજેરોજ જાય છે.

આ નદી આવેલ છે જેમાં મગર, નાગ અને અન્ય જીવો અહીં નદી ઘણીવાર દેખાયા છે. જેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને અભ્યાસ અર્થે આજ કોઝ વેનો સહારો લેવો પડે છે અને પોતાના કપડા પાણીથી પલળી જાય છે અને શાળાએ પલળેલા કપડા પહેરીને શિક્ષણ લેવું પડે છે.

જો વધુ વરસાદ થયો ત્યારે શાળાએથી પોતાના ઘરે વિદ્યાર્થીઓને જવુ હોય ત્યારે ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. ગરીબ વર્ગના બાળકો શિક્ષણ લેવા માટે પ્રાઈવેટ સ્કૂલની ફી દેવા માટે સક્ષમ ન હોય જેથી સરકારી શાળાઓનો સહારો લેવો પડે છે અને શિક્ષણ લેવા માટે ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ લેવા માટે જીવનું જોખમ પણ લેવાનો વારો આવ્યો છે જેથી શાળાના પ્રિન્સીપાલ તથા વિદ્યાર્થીઓ તથા વાલીઓની માંગ છે કે જે આ બેઠો કોઝ વે એટલે કે પૂલ છે તે ઉંચો બનાવાય જેથી ગરીબ વિદ્યાર્થીઓએ જીવનુ જોખમ ન ખેડવુ પડે અને પોતાનું શિક્ષણ તકલીફ વિના મેળવી શકાય તેવી જવાબદાર તંત્ર પાસે રજૂઆત કરી રહ્યા છે.

(10:53 am IST)