સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

સર ગામે ૧૪ વર્ષની બાળા પર બહેનના જેઠ નારણે નજર બગાડીઃ બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દીધો

છ મહિના પહેલા કોટડા સાંગાણી પંથકનો પરિવાર સગીર દિકરી માટે મુરતીયો જોવા ગયા ત્યારે આ દિકરીને મોટી દિકરીના સાસરે સર ગામે મુકીને ગયા'તાઃ પાછળથી મોટી દિકરીના જેઠે દૂષ્કર્મ આચર્યુ : આજીડેમ પોલીસે ગુનો નોંધ્યોઃ મહિલા પોલીસે હવસખોર નારણને સકંજામાં લીધોઃ નારણના છૂટાછેડા થઇ ગયા છે

રાજકોટ તા. ૧૪: કોટડા સાંગાણી પંથકની ૧૪ વર્ષ ૯ માસની વય ધરાવતી સગીરા સગર્ભા બની જતાં માતા સહિતના સ્વજનોએ ફોસલાવીને પુછતાં તેણીએ પોતાના પર સર ગામે મોટી બહેનના જેઠ નારણ ચીનુભાઇ તલાવડીયા (ઉ.વ.૩૩)એ છએક મહિના પહેલા સર ગામે બે વખત બળજબરીથી બળાત્કાર ગુજારી લીધાનું કહેતાં આ મામલે સગીરાના માતાએ આજીડેમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. મહિલા પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી હવસખોરને સકંજામાં લીધો છે.
પોલીસે બાળાની માતાની ફરિયાદ પરથી સરધાર પાસેના સર ગામે રહેતાં નારણ ચીનુભાઇ તલાવડીયા સામે આઇપીસી ૩૭૬ (૨), (એન), ૩૭૬ (૩) તથા પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે તેની મોટી દિકરી સર ગામે સાસરે છે અને તેણીના ગઇ દિવાળી પછી લગ્ન થયા છે.  એનાથી નાની દિકરી કે જે ૧૪ વર્ષ અને ૯ માસની છે તેના માટે મુરતીયો શોધવાનો હોઇ આજથી છએક માસ પહેલા પોતે, પતિ, પુત્ર સહિતના સર ગામે મોટી દિકરીના ઘરે ગયા હતાં. જેના માટે મુરતીયો જોવાનો હતો એ દિકરીને સાથે ન લઇ જવાની હોઇ જેથી સર ગામે મોટી દિકરીના ઘરે તેને રાખી હતી.
સવારે નવેક વાગ્યે પોતે, દિકરી, જમાઇ, પતિ, પુત્ર સહિતના નજીકના બીજા ગામે મુરતીયો જોવા ગયા હતાં અને બપોરે ત્રણ આસપાસ પાછા આવી ગયા હતાં. મુરતીયો પસંદ ન હોઇ વાત આગળ ચલાવી નહોતી. સવારે નવથી બપોરના ત્રણ સુધી સગીર દિકરી સર ગામે જ રોકાઇ હતી. ત્યારે ઘરે મોટી દિકરીનો જેઠ નારણ એકલો હતો. આજથી વિસેક દિવસ પહેલા ફરિયાદીના પતિનું અવસાન થયું હતું. એ પછી સગીર દિકરીનું પેટ વધેલુ દેખાતાં શંકા ઉપજી હતી. આથી તેણીને પુછતાછ કરતાં પહેલા તો કંઇ બોલી નહોતી. પણ ફોસલાવીને પુછાતાં તેણીએ પોતાની સાથે સર ગામે બહેનના જેઠ નારણે દૂષ્કર્મ આચર્યાનું કહ્યું હતું.
છ મહિના પહેલા બધા મુરતીયો જોવા ગયા ત્યારે પોતાને બહેનના ઘરે રાખીને ગયા હતાં તે વખતે નારણે બે વાર બળજબરી આચરી લીધાનું સગીરાએ કહ્યું હતું. આ વાત સાંભળી બધા ચોંકી ગયા હતાં. તપાસ કરાવતાં તેણીના પેટમાં છ માસનો ગર્ભ હોવાનું તબિબી નિદાન થયું હતું. આજીડેમ પોલીસે બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આગળની તપાસ પીઆઇ એસ. આર. પટેલ, જે. વી. શુકલા સહિતે આરોપી નારણને સકંજામાં લેવા તજવીજ કરી છે. નારણના અગાઉ લગ્ન થઇ ગયા હતાં. પણ તેણે છૂટાછેડા લઇ લીધા છે. તે ખેત મજૂરી કરવા ઉપરાંત મંડપ સર્વિસમાં કામ કરે છે.  


 

(11:54 am IST)