સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

વિછીયાના અજમેર ગામમાં ગરબી જોઇ ઘરે જતાં વિશ્વરાજને રવિરાજે છરીના ઘા ઝીંકયા

ખાચર પરિવારના યુવાનને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયોઃ પિતા પણ ઘવાયા

રાજકોટ તા. ૧૪: વિછીયાના અજમેર ગામમાં રાતે ગરબી જોઇને ઘરે જઇ રહેલા ખાચર યુવાન પર ગામના જ ખાચર યુવાને છરીથી હુમલો કરી બે ઘા ઝીંકી દેતાં તેના પિતા વચ્ચે પડતાં તેને પણ હાથમાં ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ અજમેર રહેતો વિશ્વરાજ અશોકભાઇ ખાચર (ઉ.વ.૧૯) રાતને ગામમાં ગરબી જોવા ગયો હતો. ગરબી પુરી થયા બાદ ઘર તરફ જવા નીકળ્યો ત્યારે ગામના જ રવિરાજ વિશુભાઇ ખાચરે છરીથી હુમલો કરી પડખામાં બે ઘા ઝીંકી દીધા હતાં. તેના પિતા અશોકભાઇ દડુભાઇ ખાચર (ઉ.૫૨) બચાવવા વચ્ચે પડતાં તેને પણ હાથમાં ઇજા થઇ હતી. વિશ્વરાજને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમા઼ ખસેડાતાં તત્કાલ ઓપરેશનમાં લઇ જવાયો હતો. સવાર  સુધી ઓપરેશન ચાલ્યું હતું.
વિશ્વરાજ ત્રણ બહેનનો એકનો એક ભાઇ છે. તે પિતાને ખેતી કામમાં મદદ કરે છે. અગાઉ રવિરાજ સાથે બોલાચાલી થઇ હોઇ મનદુઃખ ચાલતું હોવાથી ખાર રાખી આ હુમલો કરાયાનું જણાવાયું હતું. તસ્વીરમાં જેના પર હુમલો થયો તે વિશ્વરાજ અને તેના પિતા અશોકભાઇ ખાચર નજરે પડે છે.

 

(11:58 am IST)