સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં રાત્રે સર્જાશે આતશબાજીઃ સોમવારે બેસતું વર્ષ

કોરોના મહામારી વચ્ચે પણ જામતો દિવાળી પર્વનો માહોલઃ છેલ્લી ઘડીએ બજારોમાં ખરીદીની ભીડ

રાજકોટ, તા., ૧૪: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં દિપાવલી પર્વ ઉજવવા લોકોમાં થનગનાટ જોવા મળી રહયો છે. આજે દિપાવલી પર્વની થઇ રહી છે. આજે રાત્રીના આકાશમાં ફટાકડાની આતશબાજી સર્જાશે અને સૌ કોઇ ફટાકડા ફોડીને દિવાળીની ધામધુમથી ઉજવણી કરશે.

કોરોના મહામારી વચ્ચે પણ દિવાળી પર્વનો માહોલ જામ્યો છે. છેલ્લી ઘડીએ બજારોમાં ખરીદીની ભારે ભીડ જામી છે.

વિક્રમ સવંત વર્ષના છેલ્લા દિવસે આસો વદ અમાસે દીવા પ્રગટાવી આતશબાજી કરીને નવા વર્ષનું સ્વાગત કરવાનું મહાપર્વ તે દિવાળી. દિવાળી અધર્મ, અનિષ્ટ અને અન્યાયના અંધકાર ઉપર ધર્મ અને સત્યના વિજયનું ઉજ્જવળ પર્વ છે. દિવાળીના પર્વ સાથે વિજયની અનેક કથાઓ વણાયેલી છે. બ્રહ્મપુરાણ પ્રમાણે દિવાળીના દિવસે લક્ષ્મીદેવી વિહારે નિકળે છે અને જેમનું આંગણું સ્વચ્છ અને સુશોભીત હોય તેમના ઘરમાં લક્ષ્મી નિવાસ કરે છે.

વીતેલા વર્ષનું સરવૈયું કાઢીને નવા વર્ષના આરંભે નવા સંકલ્પો લેવાય છે. નુતનવર્ષે વેરઝેર ઓગાળીને પરસ્પર સદભાવ-શુભેચ્છાનાં ફુલડા વેરીને આપણા અને બીજાના જીવનમાં સુગંધ ભરીએ, મીઠાશ અને મધુરતાની અનુભુતી કરીએ અને કરાવીએ. પરસ્પર ભળવાનો અંતર ઘટાડવાનો આ મંગળ દિવસ છે. વીતેલા વર્ષમાં પરમાત્માની કૃપાથી જે કંઇ ધાન્ય અનાજ પાકયા હોય એની વિવિધ વાનગીઓ નવા વર્ષના પહેલા દિવસે પરમાત્માનાં શ્રી ચરણોમાં અન્નકુટ રૂપે કરાય છે. નૂતન વર્ષે નવા સંકલ્પો સાથે નવપ્રસ્થાન કરવાનું હોય છે.

ભાઇ-બહેનના પ્રેમના પ્રતીક રૂપે ભાઇબીજનો તહેવાર અસ્તિત્વમાં આવ્યો. આ દિવસે બહેન-ભાઇને પોતાના ઘેર જમવા બોલાવીને ભ્રાતૃપ્રેમ પ્રગટ કરે છે. ભાઇ-બહેનો દક્ષિણા પ્રદાન કરે છે. માત્ર ભાઇ-બહેન વચ્ચે નહીં, કોઇ પણ નર-નારી વચ્ચે નિર્મળ પ્રેમની મધુરતા જળવાઇ રહે એ ઉદેશ ભાઇબીજનો છે. આ દિવસે યમુના સ્નાનનો મહિમા છે.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણઃ જસદણમાં સેવાભાવી લોકો દ્વારા બનાવાયેલા મરવાનું મન થાય એવા અદ્યતન શ્રી વિવેકાનંદ મોક્ષધામમાં આજે કાળી ચૌદશની રાત્રીના દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે રાત્રીના અંધશ્રધ્ધા નિવારણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાત્રીના નવ કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં મોક્ષધામને નવપલ્લીત બનાવનાર સેવાભાવી સમીતીના અનેકાએક કાર્યકરો લોકોમાં ફેલાતી અંધશ્રધ્ધા અંગે લોકોને વાકેફ કરશે અત્રે નોંધનીય છે કે જસદણના મોક્ષધામમાં એક સમયે શબને બાળવા માટે લાકડા પણ નહોતા પણ વર્ષોની મહેનતના પરીણામના અંતે હાલ સેવાકીય પ્રવૃતી કરતાં લોકો દ્વારા અદ્યતન સુવિધાસભર મોક્ષધામ બનાવ્યું છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ આજે કાળી ચૌદસ પણ મનાવવામાં આવે છે. દિવાળીનો પ્રારંભ આસો વદી ચૌદસ શનીવારે બપોરે ર કલાક ૧૮ મીનીટથી પ્રારંભ થાય છે. તે બીજા દિવસે રવિવારે સવારના ૧૦ કલાક ૩૭ મીનીટ સુધી દિવાળીનો ભાગ છે. (અમાસ છે) દિવાળીના મુહુર્તો શનિવારે બપોરે ર કલાક ૧૮ મીનીટથી બપોરે ૪ કલાક ૩૬ મીનીટ સુધી ચલ ચોઘડીયાનો અમુક ભાગ તેમજ લાભ, અમૃત ચોઘડીયા તેમજ સાંજે સુર્યાસ્ત પછી ૬ કલાક ર મીનીટથી સાંજે ૭ કલાક ૪૦ મીનીટ સુધી લાભ ચોઘડીયું તેમજ રાત્રે ૯ કલાક ૧૮ મીનીટથી મોડી રાત્રે ર કલાક ૧ર મીનીટ સુધી શુભ, અમૃત તેમજ ચલ ચોઘડીયા.

પ્રદોષ કાળ પ્રમાણે શનિવારે સાંજે ૬ કલાક ર મીનીટથી રાત્રે ૮ કલાક ૪૬ મીનીટ સુધી પ્રદોષ કાળનો સમય શ્રેષ્ઠ ગણાય છે. તેમજ વૃષભ લગ્ન પ્રમાણે સાંજે ૬ કલાક પ મીનીટથી રાત્રે ૮ કલાક ર મીનીટ સુધી વૃષભ લગ્ન ચોપડા પુજન માટે શુભ ગણાય છે.

ગોવર્ધન પુજા તેમજ અન્નકુટ ઉત્સવ સવંત ર૦ં૭૬ આસો વદી અમાસ રવિવાર તા.૧પ-૧૧-ર૦ર૦ના રોજ હવેલી તેમજ દેવ મંદિરમાં ઉજવવામાં આવશે. સવંત ર૦૭૭ નુતન વર્ષ ચોપડામાં મીતી પધરાવવી તેમજ ભાઇ બીજ આ દિવસે એટલે કે તા.૧૬-૧૧-ર૦ર૦ના રોજ સોમવારે મનાવવામાં આવશે. સોમવારે નુતન વર્ષ સવારે ૭ કલાક ૭ મીનીટ સુધી જ છે. ત્યાર બાદ ભાઇ બીજનો ભાગ શરૂ થાય છે. ચોપડામાં મીતી પધરાવવાના મુહુર્તો પાછલી રાત્રે રવિવારે એટલે કે તા.૧પ-૧૧-ર૦ર૦ની રવિવારની મોડી રાત્રે ર કલાક ૧ર મીનીટથી રાત્રે ૩ કલાક પ૦ મીનીટ સુધી લાભ ચોઘડીયું તેમજ વહેલી સવારે પ કલાક ર૮ મીનીટથી ૭ કલાક ૭ મીનીટ સુધી શુભ ચોઘડીયું તેમજ ચલ ચોઘડીયાનો અમુક ભાગ.

લાભ પંચમી સવંત ર૦૭૭ કારતક સુદી પાંચમ ગુરૂવાર તા.૧૯-૧૧-ર૦ર૦ના રોજ મનાવવામાં આવશે.

જલારામ જયંતી સવંત ર૦૭૭ કારતક સુદ સાતમ શનિવાર તા.ર૧-૧૧-ર૦ર૦ના રોજ મનાવવામાં આવશે. વધુ વિગત માટે જુનાગઢ કાગદી પુજા સ્ટેશનર્સ માલીવાડા રોડ, જુની સેન્ટ્રલ બેંકની સામે જુનાગઢ વાળા હિતેષભાઇ પારેખનો મો.નં. ૯૯ર૪૩ રપ૭૩ર/૯૯૦૪૦ ૩૪ર૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:30 am IST)