સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

ચરાડવા મહાકાળી આશ્રમમાં દાનપેટી તોડીને પોણો લાખની ચોરી

મંદિરમાં આંટાફેરા મારીની તસ્‍કરે દાનપેટી તોડીને રૂપિયા ખીસ્‍સામાં ભરી લીધા : સીસીટીવી ફૂટેજના આધારે ફાંદવાળા અજાણ્‍યા શખ્‍સની શોધખોળ

(પ્રવિણ વ્‍યાસ - મુકુંદ બદિયાણી દ્વારા) મોરબી - જામનગર તા. ૧૫ : લાખો ભાવિકોની આસ્‍થાના પ્રતિક હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિરમાં તસ્‍કરે ત્રાટકીને ૭૦ હજારની ચોરી કરતા ખળભળાટ મચી ગયો છે.
હળવદ તાલુકાનાં ચરાડવાના દેવળીયા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમમાં તસ્‍કરોએ ધામા નાખ્‍યા હતા અને મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીને તોડીને તેમાંથી રોકડા અંદાજે ૭૦ હજાર રૂપિયાની ચોરી કરેલ છે જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે ચોરીના આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા વનરાજભાઈ વાઘજીભાઈ પઢીયાર જાતે રાજપૂત (ઉમર ૨૬)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે ચોરીના બનાવની અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેઓએ જણાવ્‍યું છે કે ચરાડવા ગામની બાજુમાં આવેલ મહાકાળી આશ્રમ ખાતે અજાણ્‍યા તસ્‍કરે તા. ૧૪ ના રોજ રાત્રીના એકાદ વાગ્‍યાના અરસામાં ધામા નાખ્‍યા હતા અને મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીને તોડીને તેમાં રહેલા અંદાજે ૭૦ હજાર રૂપિયા જેટલી રકમની ચોરી કરીને તસ્‍કર લઇ ગયેલ છે જેથી કરીને હાલમાં ચોરીના આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે.
મંદિરમાં ચોરી કરવા આવેલ તસ્‍કરે દાનપેટીમાંથી રૂપિયા કાઢી લીધા બાદ આશ્રમમાં અડધો કલાક આંટા-ફેરા પણ માર્યા હતા. પોલીસે જુદા-જુદા સીસીટીવી ફૂટેજના આધારે આ શખ્‍સની શોધખોળ હાથ ધરી છે. આ તસ્‍કરે સીસીટીવી ફૂટેજ આડે એક જગ્‍યાએ કપડુ પણ લગાવી હોવાનું જોવા મળ્‍યું છે. જો કે તસ્‍કર દાનપેટીમાંથી રૂપિયા કાઢે છે તે તથા મંદિરમાં આંટા-ફેરા મારે છે તે દ્રશ્‍ય સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચરાડવા ખાતે આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરે મોટી સંખ્‍યામાં ભાવિકો મહાકાળી માતાજીના તથા સવાસો વર્ષના પૂજ્‍ય દયાનંદગીરી બાપુના દર્શને આવે છે અને પૂજન અર્ચન કરીને ધન્‍યતા અનુભવે છે.
કેબીનેટ મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા, રાજકોટ રેન્‍જ આઇજીપી શ્રી સંદિપ સીંઘ તથા પોલીસવડા શ્રી ઓડેદરાએ તાબડતોબ પગલા લેવડાવ્‍યા છે.

 

(10:55 am IST)