સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

પોરબંદરમાં સંક્રાંતિની રાત્રીના ડબલ મર્ડર : જૂથ અથડામણ બાદ ફાયરીંગ

જૂથ અથડામણમાં નગરપાલિકાની ચૂંટણીના જૂના મનદુઃખ અંગે માથાકુટ બાદ મામલો ગરમ બન્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૫ : મકર સંક્રાંતિની રાત્રીના ઝુરીબાગ નજીક કાર અથડાય જતાં બે જૂથો સામસામે આવી ગયેલ અને મારામારી બાદ ફાયરીંગ ૫ થી ૬ રાઉન્‍ડ કરતા રાજ કેશવાલા અને કલ્‍પેશ ભૂતિયાને ગોળી વાગતા બન્‍નેના મોત નિપજતા ડબલ મર્ડરનો ગુન્‍હો નોંધાયો છે.
પોલીસે આ ડબલ મર્ડરમાં મુખ્‍ય આરોપી હાજા ઓડેદરા સહિત ૧૧ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.  મકર સંક્રાંતિની રાત્રી ઝુરીબાગ નજીક વીર ભનુની ખાંભી પાસે કાર અથડાયા બાદ બે જૂથ સામસામે આવી ગયેલ અને બન્‍ને જૂથ વચ્‍ચે મારામારી બાદ ૫ થી ૬ રાઉન્‍ડ ફાયરીંગ કરતા રાજ કેશવાલા અને કલ્‍પેશ ભૂતિયા બન્‍નેના ઘટના સ્‍થળે ઢીમ ઢળી ગયેલ.
આ ડબલ મર્ડર ઘટના અંગે મુખ્‍ય આરોપી હાજા ઓડેદરા તથા ભાજપના સુધરાઇ સભ્‍યના પુત્ર સહિત ૧૧ સામે કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
અગાઉની નગરપાલિકાની ચુંટણીમાં ગઇકાલે જૂથ અથડામણમાં ઇજા પામેલ વનરાજ કેશવાલાનો ભાઇ તે સમયે ચૂંટણી લડતો હોય અને બંને જૂથો વચ્‍ચે જૂનુ મનદુઃખથી મામલામાં વધારે ગરમાગરમી આવી ગયેલ.

 

(11:09 am IST)