સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

ઠારનો સપાટો : સર્વત્ર ટાઢુબોળ વાતાવરણ ગિરનાર ૩.૫, નલીયા ૪.૨ ડિગ્રી

રાજ્‍યના ૭ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે : સર્વત્ર શિયાળાની જમાવટ

રાજકોટ તા. ૧૫ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આજે પણ ઠંડક યથાવત છે અને લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે. લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીની વધુ અસર થઇ રહી છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ વષાો અને તાપણાનો સહારો લઇ રહ્યા છે અને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મોડી રાત્રીના રસ્‍તાઓ સુમસામ બની જાય છે.  છેલ્લા ઘણા દિવસોથી લઘુત્તમ તાપમાનનો પારો સીંગલ ડીઝીટમાં આવી જતા સર્વત્ર વાતાવરણ ટાઢુબોળ થઇ જાય છે.  આજે ગિરનાર પર્વત ઉપર ૩.૫ ડિગ્રી, નલીયા ૪.૨ ડિગ્રી, રાજકોટ ૯.૭ સહિત ૭ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીની અંદર નોંધાયું છે.
જૂનાગઢ
જૂનાગઢ : સંક્રાંતિ પછી પણ સોરઠમાં ઠંડીનો દોર યથાવત રહેતા આજે ગિરનાર ખાતે ૩.૫ ડિગ્રી અને જૂનાગઢમાં ૮.૫ ડિગ્રી ઠંડી રહી હતી.  આજની ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહેતા ઠંડીની તીવ્રતા બેવડાઇ હતી.  સવારના ૬.૨ કિમીની ઝડપે ઠંડો પવન ફુંકાતા વાતાવરણ બર્ફીલુ થઇ ગયું હતું. આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની શકયતા જોવાઇ રહી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૨૪ મહત્તમ, ૧૦.૨ લઘુત્તમ, ૭૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ખંભાળીયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસો ભારે ઠંડી ભર્યા અનુભવાઇ રહ્યા છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર આવી રહ્યું છે. ગઇકાલે શુક્રવારે તથા આજે પણ સવારે નોંધપાત્ર ઠંડીનો લોકોએ અહેસાસ કર્યો હતો. આ વચ્‍ચે પવનનું જોર પણ રહેતા ઠંડીમાં વધારો અનુભવાયો હતો. ઠંડીના કહેરના કારણે જનજીવન પ્રભાવિત બન્‍યું હતું. લોકો સાથે અબોલ પશુ - પક્ષીઓ પણ ભારે હાલાકીમાં મુકાઇ ગયા છે.


 

(11:10 am IST)