સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

વિંછીયામાં પ્રેમીકાને મળવા ગયેલા હિતેશ ઝાપડીયાને યુવતીના પિતા રમેશ બેરાણીએ છરીના ઘા ઝીંકયા

‘આજે તો તને જવા દઉં છું, હવે મળીશ તો જાનથી મારી નાખીશ' ધમકી પણ દીધીઃ યુવતીના પિતા સામે હત્‍યાના પ્રયાસનો ગુનો

રાજકોટ, તા. ૧૫ :. વિંછીયામાં પ્રેમીકાને મળવા ગયેલા વેરાવળના યુવાનને જોઈ જતા યુવતીના પિતાએ છરી વડે હુમલો કરી હત્‍યાનો પ્રયાસ કરતા ફરીયાદ થઈ છે.
મળતી વિગત મુજબ વિંછીયાના વેરાવળ ગામે રહેતો હિતેષ અમરશીભાઈ ઝાપડીયા (ઉ.વ. ૨૧) એ વિંછીયા પોલીસ મથકમાં વિંછીયા રહેતા રમેશ પ્રેમજીભાઈ બેરાણી સામે ફરીયાદ નોંધાવી છે. હિતેષે ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને અપરણીત છે. ત્રણ દિવસ પહેલા બપોરે પોતે પોતાના ઘરેથી ઈકો કાર રીપેરીંગ કરાવવા માટે વિંછીયા ગયો હતો અને જસદણ રોડ પર ગાડી ગેરેજમાં રીપેર કરવા માટે મુકી હતી. કાર રીપેર થઈ ગયા બાદ પોતે ઘરે જવા માટે તૈયારી કરતો હતો ત્‍યારે પોતાને ‘વિંછીયા ગામમાં રહેતી યુવતી સાથે છેલ્લા એકાદ મહિનાથી પ્રેમ સંબંધ હોય અને તેનો ફોન આવ્‍યો હતો અને પોતાને મળવા માટે બોલાવતા પોતે ઈકો લઈને યુવતીના ઘરે તેને મળવા ગયેલ અને ગાડી બહાર રોડ પર પાર્ક કરી હતી. યુવતીના ઘરે ગયો હતો તે દરમ્‍યાન યુવતીના પિતા રમેશ પ્રેમજીભાઈ બેરાણી આવી જતા પોતે ઝડપથી ઘરની બહાર નીકળી દોડવા લાગેલ અને દોડતા દોડતા પોતે વિંછીયા બહાર દૂધની ડેરી પાસે પહોંચતા રમેશ બેરાણી બાઈક લઈને ત્‍યાં આવીને પોતાને પકડી ગાળો આપવા લાગેલ અને જેમફાવે તેમ ઢીકાપાટુનો માર મારવા લાગેલ આ દરમિયાન તેણે પોતાના બાઈકની ડેકીમાંથી છરી કાઢી મારવા જતા પોતે પોતાનો ડાબો હાથ આડો કરતા કોણીના ભાગે, બીજો ઘા પડખાના ડાબી બાજુ અને ત્રીજો ઘા પાછળના ભાગે ઝીંકી દીધા હતા. પોતે દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ દરમ્‍યાન લાલજીભાઈ ગટુભાઈ રાજપરા સહિતના લોકો આવી ગયા હતા અને વચ્‍ચે પડી પોતાને વધુ મારથી બચાવેલ અને આ રમેશ બેરાણી ગાળો બોલતા બોલતા જતો હતો ત્‍યારે તેણે કહેલ કે, ‘આજે તો આ બધા આવી જવાથી તું બચી ગયો છો, હવે પછી તું ક્‍યાંય પણ મને ભેગો થઈશ તો જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપી પોતાનુ બાઈક લઈ નાસી ગયો હતો. બાદ પોતાના મિત્રો તથા સગાસંબંધી આવી જતા પોતાને બોટાદ બાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્‍પીટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોતે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વિંછીયાના રમેશ પ્રેમજીભાઈ બેરાણી સામે હત્‍યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:35 am IST)