કોટડા સાંગાણી પંથકમાંથી એક મહિના પહેલા ભગાડી જવાયેલી સગીરા ઝેર પીધેલી હાલતમાં મળ્યા બાદ મોત
મુળ એમપીની સગીરાને એમપીનો જ ત્રણ સંતાનનો પિતા સંજલો ભગાડી ગયો'તોઃ દૂષ્કર્મ આચરાયાની શંકાઃ સગીરાએ રાજકોટમાં દમ તોડયો
રાજકોટ તા. ૧૫: કોટડા સાંગાણી પંથકમાં એક વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની સતર વર્ષની સગીરાને નજીકની કોઇ વાડીમાં રહેતો મુળ મધ્યપ્રદેશનો અને ત્રણ સંતાનનો પિતા એવો શખ્સ એકાદ મહિના પહેલા ભગાડી ગયા બાદ સંક્રાંતિની આગલી રાતે નવેક વાગ્યે સગીરાને પરત કોટડાસાંગાણી મુકી ગયો હતો. આ વખતે સગીરા ઝેરી દવા પીધેલી હાલતમાં હોઇ તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સગીરાએ પોતાને ઝેરી દવા ભગાડી જનારા શખ્સે પાઇ દીધાનો આક્ષેપ કર્યો હતો. એક મહિનો સુધી નજીકના કોઇ ગામની વાડીમાં રાખી હોવાનું તેણીએ કહ્યું હતું. તેની સાથે દૂષ્કમ થયું છે કે કેમ? તે અંગે તપાસ થઇ રહી છે. બીજી તરફ સારવારમાં આ સગીરાએ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ કોટડા સાંગાણી પંથકમાં રહેતાં મધ્યપ્રદેશના પરિવારની ૧૭ વર્ષની દિકરીને ગુરૂવારે રાતે રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. તેણીને ઝેરી દવાની અસર હોઇ તબિબે પોલીસ કેસ જાહેર કરતાં ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. સગીરાના માતાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમારી દિકરીને એક મહિના પહેલા એમપીનો જ વતની અને હાલ કોટડા પંથકમાં રહેતો સંજલા માવી નામનો ત્રણ છોકરાનો બાપ ભગાડી ગયો હતો. તે તેની ઘરવાળીને તેણીના માવતરે મુકી આવ્યો હતો.
અમે એક મહિનાથી સંજલાને અને અમારી દિકરીને શોધતા હતાં. પણ તે મળી નહોતી. દરમિયાન ગુરૂવારે રાતે સંજલો અમારી દિકરીને પાછી મુકીને ભાગી ગયો હતો. તે વખતે દિકરી ઝેરી દવા પીધેલી હાલતમાં હતાં. તેને પુછતાં તેણીએ પોતાને સંજલાએ દવા પીવડાવ્યાનું કહ્યું હતું. દિકરીને કોઇ અજાણી વાડીમાં રાખી હોઇ તે ત્યાંથી ભાગી શકી નહોતી. છેલ્લે સંજલાએ હવે તને રાખવી નથી તેમ કહી દવા પાઇને અમારી દિકરીને મુકી દીધી હતી અને ભાગી ગયો હતો. સગીરાને એક મહિના સુધી સંજલાએ સાથે રાખી હોઇ તેણી સાથે દૂષ્કર્મ આચર્યુ છે કે કેમ? તે અંગે તપાસ થઇ રહી છે. સગીરા આ બાબતે પુછતાં તેના વાલીને કંઇ જણાવ્યું નહોતું. દરમિયાન સગીરાનું મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.