સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

પારડી સાળાને ત્‍યાં સંક્રાંત મનાવી પરત આવતા'તા ત્‍યારે છોટાહાથીએ બાઇકને ટક્કર મારતાં સુથાર પ્રોૈઢનું મોતઃ પત્‍નિ-ભાણેજને ઇજા

ગોંડલ રોડ ચોકડીએ જીવરાજ પાર્ક આદર્શ ગ્રીનસીટીના મનસુખભાઇ પારદીયાને અકસ્‍માત : છોટાહાથી મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૧૫: સંક્રાંતિના તહેવારની રાતે ગોંડલ રોડ પર શિવ હોટેલની સામે છોટાહાથીએ બાઇકને ટક્કર મારતાં બાઇકચાલક જીવરાજ પાર્ક આદર્શ ગ્રીનસીટીમાં રહેતાં ગુર્જર સુથાર પ્રોૈઢ મનસુખભાઇ દયાળજીભાઇ પારદીયા (ઉ.વ.૫૫)ને ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. તેમના પત્‍નિ અને ૮ વર્ષની ભાણેજને ઇજા પહોંચી હતી. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
જાણવા મળ્‍યા મુજબ આદર્શ ગ્રીનસીટીમાં રહેતાં અને ટ્રકની બોડી બનવવાનું કામ કરતાં મનસુખભાઇ ભારદીયા ગઇકાલે સંક્રાત નિમિતે પારડી ગામે પોતાના સાળા નિતીનભાઇના ઘરે પત્‍નિ રેખાબેન (ઉ.૫૨), ભાણેજ જીયા કાર્તિક કવા (ઉ.૮)ને લઇને ગયા હતાં. બે દિકરીઓ પણ બીજા વાહનમાં સાથે ગઇ હતી.
રાતે દસેક વાગ્‍યે ત્‍યાંથી જમીને પરત રાજકોટ આવતી વખતે ગોંડલ રોડ ચોકડી શિવ હોટેલ સામે પહોંચ્‍ય ત્‍યારે છોટાહાથીના ચાલકે મનસુખભાઇના બાઇકને ઉલાળી દેતાં તે, પત્‍નિ અને ભાણેજ ત્રણેય ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. મનસુખભાઇને સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. તેમના પત્‍નિ અને ભાણેજ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ છે.
મનસુખભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. અજીડેમ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


 

(2:13 pm IST)