સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

દ્વારકા જિલ્લામાં પતંગોત્સવના આનંદનો ભોગ બન્યા બે ડઝન પક્ષીઓ

જામખંભાળિયા તા.૧પ ઃ ઉતરાયણ પર્વે ખંભાળિયા સહીત જિલ્લાભરમાં પતંગ પ્રેમીઓ દ્વારા આકાશમાં પતંગ ઉડાવીને આનંદ લેવામાં આવે છે. જો કે આ પારંપરિક તહેવારોમાં દર વર્ષે અનેક નિર્દોષ પક્ષીઓ પણ ઘાતક રીતે શિકાર બને છે. ગઇકાલે શુક્રવારે ખંભાળિયા ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અનેક પક્ષીઓ પતંગની દોરીની હડફેટે ચડી જતા ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં ત્રણ પક્ષીઓ મોતને શરત થયા છે. મકરસંક્રાંતિ નિમિતે અહીના સરકારી વન ભિાગ ઉપરાંત સેવાભાવી યુવા કાર્યકરોના બિલિયન ડ્રીમ્સ ગ્રુપ અને એનિમલ કેર ગ્રુપના કાર્યકરો પશુ-પક્ષીઓ પતંગના દોરાના કારણે ઇજાગ્રસ્ત થાય તો તેની સેવા માટેખડે પગે હાજર રહ્યા હતા.

ઉતરાયણ પર્વ દરમ્યાન ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં કુલ ૧પ કબુતર, પ બગલા, એક ઘુવડ, એક કુંજ અને સીગુલ મળી બે ડઝન જેટલા પક્ષીઓ ઘવાયા હોવાની જાણ સ્થાનિકો દ્વારા ઉપરોકત સંસ્થાઓને કરવામાં આવી હતી. જેના અનુસંધાને કરૃણાઅભિયાન અંતર્ગત વન વિભાગના કે.કે. પિંડારિયા, પી.બી.કરમુર તેમજ ડ્રીમ્સ ગ્રુપ અને એનિમલ કેર ગ્રુપના કાર્યકરો નિકુંજભાઇ વ્યાસ, હાર્દિકભાઇ જોશી, દેશુભાઇ ધમા, ઉદયભાઇ ગોપીયાણી સહિતના કાર્યકરો દોડી ગયા હતા.

ઉત્તરાયણના દિવસોમાં ઘવાયેલા પક્ષીઓ પૈકી બે કબુતર અને એક બગલાનું મૃત્યુ નીપજયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ, મકરસંક્રાંતિના પતંગોત્સવમાં આનંદનો ભોગ અનેક નિર્દોષ પક્ષીઓ બનતા પશુ પ્રેમીઓમાં આઘાતની લાગણી જોવા મળી હતી.

(2:21 pm IST)