સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

ખંભાળિયા પંથકના લોકોએ મનભરીને માણ્યો પતંગોત્સવ

 જામ ખંભાળિયા,તા.૧૫ ઃ  કોરોનાની મહામારીની ચિંતા છોડી, ખંભાળિયા પંથકના લોકોએ મકરસંક્રાંતિને મન ભરીને માણવા ગુરુવારે જ તૈયારીઓ શરૃ કરી દીધી હતી. ગઇકાલે શુક્રવારે ઉતરાયણ પર્વે લોકો સવારે ધાબા અગાશી ઉપર ચડી ગયા હતા. સવારથી વીજ વિક્ષેપ વચ્ચે ખાસ કરીને યુવાનો, બાળકોએ ''એ કાઇપો છે''- ની ચિચિયારીઓ વચ્ચે પિપુડાઓ વગાડીને આનંદ વ્યકત કર્યો હતો. ગઈકાલે દિવસ દરમિયાન મહદ અંશે પવનનું જોર માફકસર રહેતા પતંગ રસિયાઓએ મન ભરીને પતંગ ઉડાડવાની મોજ માણી હતી. ઢળતી સાંજે નગરજનોએ ફટાકડા ફોડી, તુક્કલ પણ ઉડાડ્યા હતા.

  ઊંધિયા, પાત્રા, ખાંડવીની મોજ માણતા નગરજનો 

મકર સંક્રાત નિમિત્તે ઊંધિયું ખાવું એ હવે લોકોમાં જાણે પરંપરા બની ગઈ છે. શહેરમાં આશરે ૨૫થી ૩૦ જેટલા દુકાનદારોએ આજરોજ સ્વાદિષ્ટ ઊંધિયું સાથે રસપાતરા અને ખાંડવી બનાવ્યા હતા. જેનો સ્ટોક મોટાભાગે બપોરે જ ખલાસ થઇ ગયો હતો. આમ શહેરમાં આશરે ત્રણ હજાર કિલો જેટલું ઊંધિયું લોકો આરોગી ગયા હોવાનો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે. આમ ગઈકાલે શહેરમાં મોટાભાગના લોકોએ ઊંધિયા- ખીચડાની જયાફત માણી હતી.

  દાન-પુણ્યની સરવાણી વહી

ઉમંગ સાથે દાન-પુણ્યનું અનેરૃ મહાત્મ્ય ધરાવતા ઉતરાયણ પર્વના આ દિવસે ગઇકાલે શુક્રવારે લોકોએ ખાસ કરીને ગાયો સહિતના અબોલ પશુઓ ઉપરાંત પક્ષીઓ તેમજ ગરીબોને યોગ્ય ખોરાક તથા દાન આપી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારોમા લોકોએ ઝૂપડપટ્ટીના બાળકોને પતંગ, ફિરકી તેમજ ચીકીનું વિતરણ પણ કર્યું હતું.

(2:16 pm IST)