સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th February 2021

૯ સિંહણ અને ૨ સિંહ એમ કુલ ૧૧ સિંહો જોવા મળ્યા

સિંહો નેચર સફારી પાર્કમાં લટાર મારવા નીકળ્યા : એક સાથે આટલી મોટી સંખ્યામાં ભાગ્યે જ સિંહ જોવા મળે છે, આપણે ત્યાં કહેવત છે કે સિંહના ટોળા ન હોય

ગીર,તા.૧૪ : પ્રાણીઓના વીડિયો તો વાયરલ થતા વાર નથી લાગતી. પ્રાણીઓની અદભૂત અદાઓના વીડિયો સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. આવામાં ગીરના સિંહોની વાત કરીએ તો ગીરના જંગલની આસપાસ વિસ્તારમાં રહેતા લોકો માટે સિંહોની અવરજવર સામાન્ય વાત છે. અહીં ગમે ત્યારે સિંહો આવી ચઢે છે. ત્યારે અનેક લોકો સિંહોના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. આવામાં ક્યારેક સિંહોની એવી હરકત કેદ થઈ જાય છે જે વાયરલ બની જાય છે. ગીરની આસપાસ એકલદોકલ સિંહો તો અનેકવાર જોવા મળે છે. પરંતુ જુનાગઢમાં એકસાથે ૧૧ સિંહ એક ફ્રેમમાં કેદ થયા છે. સોરઠમાં પ્રવાસનને વેગ મળી રહે તે હેતુસર જૂનાગઢના ગરવા ગીરનારમાં રોપ-વે ની શરૂઆત કરાવ્યા બાદ ગત તા.૨૬ મી જાન્યુઆરી પ્રજાસતાક દિનથી ગીરનારના જંગલમાં સિંહ દર્શન માટેની નેચર સફારીની શરૂઆત કરી છે. હજુ આ સફારીને વીસેક દિવસ જ થયા છે તો બીજી તરફ ગીરનાર નેચર સફારી પાર્કમાં ૫૦થી વધુ સિંહોનો વસવાટ છે.

             આ સિંહો જંગલ વિસ્તારમાં મુક્ત વાતાવરણમાં ફરતા જોવાનો એક અદભુત લ્હાવો છે. જેના માટે ગીરનાર નેચર સફારીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વહેલીસવારે સૂર્યના કિરણો વચ્ચેથી પસાર થતા ૯ સિંહણ અને ૨ સિંહ મળી કુલ ૧૧ સાવજો એક સાથે લાઇનબંઘ વોકીંગ કરતા હોય તેવા ર્દશ્યો નિહાળી પ્રવાસીઓ રોમાંચિત થઇ ઉઠ્યા છે. જુનાગઢનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સાથે ૧૧ સિંહ જોવા મળ્યા છે. કોરોનાકાળ બાદ હવે ગિરનાર નેચર સફારી શરૂ થઈ છે. ત્યારે પ્રવાસીઓનું સિંહ દર્શન પણ શરૂ થયું છે. આવામાં ગિરનાર નેચર સફારીમાં એક સાથે ૧૧ સિંહ જોવા મળ્યા છે. એક સાથે ૧૧ સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવો અદભૂત નજારો જ્વલ્લે જ જોવા મળતો હોય છે. ત્યારે સફારીમાં નીકળેલા લોકો માટે આ ક્ષણ ખાસ બની રહી હતી. ઉલ્લેખનીય છે કે, ગિરનાર જંગલમાં ૫૦ જેટલા સિંહો વસવાટ કરે છે. જેમાંથી પ્રવાસીઓને ૧૧ સિંહો એકસાથે જોવા મળ્યા હતા. આ કેદ કરાયેલા ર્દશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય જે નિહાળી સિંહપ્રેમીઓ પણ રોમાંચિત બની ગયા છે. તો આ વીડિયો જોયા પછી સિંહો જંગલના રાજા છે અને રહેશે તેવા ઠાઠ સમો નજારો હોવાનું સિંહપ્રેમીઓ જણાવી રહયા છે.

(7:29 pm IST)