સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

મોરબી સિવિલમાં બેડ ન મળતા દર્દીઓ એમ્બ્યુલન્સમાં સારવાર લેવા મજબૂર

સિવિલમાં વધારેલા બેડ પણ ફૂલ થઇ જતા દર્દીને જે એમ્બ્યુલન્સમાં લાવ્યા તેમાં જ ઓકિસનની સારવાર આપવી પડી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : મોરબી સિવિલ હોસ્પિટલમાં હજુ પણ કોરોનાની પરિસ્થિતિ ભયાનક છે. જેમાં છેલ્લા ૧૨ દિવસથી ઉતરોતર કોરોનાના દર્દીઓ સારવારમાં આવતા સિવિલ હોસ્પિટલમાં એકેય બેડ ખાલી નથી. તેવામાં ગઈકાલે સિવિલમાં ૪૦ બેડ વધારી હોય એ બેડ પણ ફૂલ થઈ જતા દર્દીઓ એમ્બ્યુલન્સમાં સારવાર લેવા મજબૂર બન્યા છે. દર્દીને જે એમ્બ્યુલન્સમાં લાવ્યા તેમાં જ ઓકિસજનની સારવાર આપવી પડી હતી.

મોરબી સિવિલ હોસ્પિટલમાં હાલની કોરોનાની આપતિને પહોંચી વળવામાં સરકારી તંત્ર નાકામ પુરવાર થયું છે. કોરોનાના દર્દીઓને છેલ્લા ૧૨ દિવસની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા મળતી ન હોવાથી દર્દીઓ રામભરોસે જેવી હાલતમાં મુકાઈ જાય છે. ખાસ કરીને એકેય બેડ ખાલી ન હોવાથી ઘણા દર્દીઓને બહારગામ સારવાર માટે ધકેલી દેવાય છે અને અનેક દર્દીઓને હોસ્પિટલની લોબી કે વહીલચેરમાં જોખમી રીતે સારવાર કરવામાં આવે છે. આમ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત બદથી પણ બદતર છે. આવી કપરી સ્થિતિ વચ્ચે ગઈકાલે ૪૦ બેડ વધારવામાં આવ્યા હતા. પણ આ બેડ પણ ભરાઈ જતા દર્દીઓ રઝળી પડ્યા છે.

સિવિલમાં કપરી હાલત વચ્ચે ગઈકાલે રાત્રે હળવદથી એક દર્દીને ૧૦૮માં મોરબી સિવિલમાં લાવવામાં આવ્યો હતો. જો કે હળવદમાં એ દર્દીનો કોઈ હાથ ન જાલતા તેને મોરબી સિવિલ ખસેડાયો હતો. પણ સિવિલ દર્દીને દાખલ કરવા માટે અંદર લઈ ગયા તો ત્યાં એકેય બેડ ખાલી નથી એવો બેજવાબદારી ભર્યો જવાબ મળ્યો હતો. આ દર્દીની હાલત નાજુક હતી. એને ઓકિસજનની ખાસ જરૂર હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જ એમ્બ્યુલન્સમાં એ દર્દીને સુવડાવીને ઓકિસજન સહિતની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી.

આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દર્દી અને તેના પરિવારજનો સહિતના લોકોએ બળાપો ઠાલવ્યો હતો કે, અધિકારીઓ અને પદાધિકારીઓનો સંપર્ક કરવા છતાં તેમને બેડ ન મળતા આ મામલે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.

(12:44 pm IST)