સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ. પુષ્પાબાઇ મ.સ. કાળધર્મ પામ્યા

રાજકોટ તા. ૧૫ : પરમશ્રદ્ઘેય પૂ. શ્રી ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. સમર્થ - નવલ ગુરુણીના સુશિષ્યા અને પૂ. કુંદનબાઈ મ.સ.ના લઘુભગિની પ્રવર્તિની બા.બ્ર.પૂ. પુષ્પાબાઈ મ.સ. આજે તા. ૧૫-૦૪-૨૧ ના ગુરૂવારે સવારે ૮.૫૫ કલાકે રાજકોટ મુકામે કાળધર્મ પામ્યા છે.

ઝાંઝીબારમાં કાંતિભાઈ ભીમજીભાઈ મહેતાના ગૃહાંગણે જન્મેલા અને પડધરીમાં માતા નવલબેન, મોટાબેન કુંદનબેન અને નાનાબેન પુષ્પાબેન વિ.સં. ૨૦૧૪, માગસર સુદ-૧૦ ના ભગવતી દીક્ષા ૧-૧૨-૫૭ ના પૂ. દેવરાજજી મ.સા. ના હસ્તે દિક્ષા અંગીકાર કરેલ.

પૂ. મહાસતીજી ઈન્દ્રપ્રસ્થનગરમાં એડનવાલા આરાધના ભવનમાં બિરાજીત હતા. પૂ. સુશીલાજી મ.સ., પૂ. પ્રવીણાજી મ.સ., પૂ. ઉષાજી મ.સ., પૂ. પુનિતાજી મ.સ. વૈયાવચ્ચમાં કાર્યરત હતા.

કાલાવડની ભૂમિને કલ્યાણ ભૂમિ કહેવાય છે, એમ પડધરીની ભૂમિને પાવન એવમ્ પવિત્ર ભૂમિ કહેવાય છે.આ એ ભૂમિ છે કે જે ધન્ય ધરા ઉપરથી બ્રહ્મ ખત્રિય પરિવારના પૂ.રંભાબાઈ મ.સ.એ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી જિન શાસનને ચાર ચાંદ લગાવેલ.

આ પડધરીની પાવન ભૂમિ ઉપર આજથી ૬૩ વર્ષ પૂર્વે એક સાથે ત્રણ - ત્રણ હળુ કર્મી આત્માઓએ પ્રવજયા પંથે પ્રયાણ કરેલ.શાસન પ્રેમી યોગનાબેન મહેતાએ માહિતી આપતાં જણાવ્યું કે નાના એવા પડધરી ગામમાં ૧૭ થી વધારે આત્માઓએ સંયમ ધર્મ અંગીકાર કરી જિન શાસનની આન, બાન અને શાન વધારી છે.નાનુ ગામ પરંતુ ભકિત ભાવ ભરેલું ગામ.

વિદેશની ધરતી આફ્રિકાના ઝાંઝીબારમાં ધર્માનુરાગી મહેતા પરિવારમાં જન્મેલા રત્નકુક્ષિણી માતુશ્રી નવલબાઈ મ.સ.,તેઓની બંને સુપુત્રીઓ પૂ.કુંદનબાઈ મ.સ. તથા પૂ.પુષ્પાબાઈ મ.સ.એમ,એક સાથે ત્રણ - ત્રણ આત્માઓનો સંયમ મહોત્સવ પડધરી ગામમાં ધર્મોલ્લાસભેર ઉજવાયેલ.

એ સમયે ગોં. સં.ના પૂ.ગુરુ ભગવંત દેવરાજજી સ્વામી ધ્રાફા બીરાજમાન હતાં. તેઓશ્રી ધ્રાફાથી ઉગ્ર વિહાર કરી દીક્ષાના દાન દેવા પડધરી પધારેલ.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે માગસર સુદ દશમ તા.૧/૧૨/૧૯૫૭ રવિવારના શુભ દિને દેવોને પણ દૂર્લભ એવા સંયમ ધર્મનો આ ત્રણેય આત્માઓએ સ્વીકાર કરેલ.ચાર મહિના બાદ ગોં. સં.ના વડા મથક એટલે કે ગોંડલ સંઘમાં આચાર્ય ભગવંત પૂ.શ્રી પુરુષોત્ત્।મજી મ.સાહેબે નૂતન દીક્ષિત આત્માઓને વડી દીક્ષાના પાઠ ભણાવેલ.

સાધ્વી રત્ના પૂ.નવલબાઈ મ.સ.,પૂ.કુંદનબાઈ મ.સ.એવમ્ પૂ.પુષ્પાબાઈ મ.સ.એ રાજકોટ,જામનગર, ગઢડા,લાઠી,દામનગર,બોટાદ, અમદાવાદ સહિત વિવિધ ક્ષેત્રોની સ્પર્શના કરી અનેક આત્માઓને ધર્મના માર્ગે વાળ્યા છે. તેઓના પિતરાઈ બહેન પૂ.સરોજબાઈ મ.સ.એ પણ સંયમ અંગીકાર કરેલ. સંઘ પ્રમુખ હરેશભાઈ વોરાએ જણાવ્યું કે ગુરુણી મૈયા પૂ.પુષ્પાબાઈ મ.સ.આદિ સતિવૃંદ રાજકોટ શ્રી શાલીભદ્ર સરદાર નગર સંઘમાં અંતિમ ચાતુર્માસનો લાભ મળેલ.

થોડા સમય પૂર્વે સાધ્વી રત્ના પૂ.પુષ્પાબાઈ મ.સ.ને પૂ.સમરતબાઈ મ.સ.પરિવારના પ્રર્વર્તિની તરીકે ઘોષિત કરેલ. ત્રિગુણ સ્થવિરા પૂ.પુષ્પાબાઈ મ.સ.આગમના ગહન અભ્યાસુ હતાં.વૈયાવચ્ચ પ્રેમી જયશ્રીબેન શાહે જણાવ્યું કે પૂજય ગુરુદેવ ધીરજમુનિ મ.સા.પ્રેરિત આગમ સંપાદનના શ્રુત કાયઙ્ખમાં પોતાના જ્ઞાનનો અપૂર્વ લાભ આપી અનંતો ઉપકાર કરેલ.નિખાલસતા અને ભદ્રિકતા તેઓમાં ભારોભાર ભરેલી.

(2:46 pm IST)