સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

શિયાળ બેટમાં હજુ એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી

અમરેલી પાસે શિયાળ બેટ ગામ આવેલુ છે : શિયાળ બેટ ગામના લોકો કામ વગર અવરજવર કરતા નથી, જેથી તેઓ લોકોનાં સંપર્કમાં ઓછા આવે છે

અમરેલી,તા.૧૫ : દેશ સહિત ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં તો એક દિવસનાં જ છ હજારથી વધુ કોરોનાના કેસો નોંધાવવા લાગ્યા છે. કોરોનાની બીજી લહેરે ગામડાઓમાં પણ હાહાકાર મચાવ્યો છે. પહેલી લહેર ગામડાઓ સુધી પહોંચી ન હતી, ગ્રામીણ વિસ્તારમાંથી થોડા થોડા કેસો નોંધાતા હતા. પરંતુ બીજી લહેરે ગામડાઓ સુધી પહોંચી છે. ત્યારે રાજ્યમાં એક એવો વિસ્તાર છે જ્યાં હજી સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગુજરાતના અમરેલી જિલ્લાના શિયાળ બેટ ગામ કોરોનાના કહેરના ૧ વર્ષ પછી પણ કોરોનામુક્ત ગામ છે. તો બીજી તરફ અહીં વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. શિયાળ બેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયલું છે.

ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે, જ્યાં માત્ર દરિયાઇ માર્ગે હોડી કે બોટ થકી જ જઇ શકાય છે. ચારે તરફ ખારું પાણી હોવા છતાં ત્યાં મીઠા પાણીના કુવા અને વાવ છે. શિયાળ બેટના લોકો કામ વગર અવરજવર કરતા નથી. જેથી તેઓ લોકોનાં સંપર્કમાં ઓછા આવે છે. શિયાળ બેટમાં કોઇપણ વ્યક્તિને જવું હોય તો પીપાવાવ જેટી નજીકથી ખાનગી બોટ મારફત શિયાળ બેટ ગામમાં પહોંચી શકાય છે.

ગ્રામજનો સાથે આરોગ્ય વિભાગના લોકો પણ શિયાળ બેટ બોટ મારફતે જ અવર-જવર કરે છે. શિયાળ બેટના સરપંચ હમીરભાઈ શિયાળે આ અંગે જણાવ્યું હતું કે, હજુ સુધી અહીં એકપણ કોરોનાનો કેસ આવ્યો નથી. જ્યારથી કોરોનાનો કહેર ચાલુ થયો છે ત્યારથી અમારા ગામમાં કોઇને કોરોનાનું સંક્રમણ લાગ્યું નથી. અહીં વેક્સિનની પણ કામગીરી ચાલુ છે. અત્યારસુધીમાં ૫૦૦ ઉપરાંત લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમારા ગામના રહેવાસીઓ કામ વગર બહાર આવતા કે જતા નથી.

(9:18 pm IST)