સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

જસદણ, આટકોટ, અમરેલી, ખાંભા, સાવરકુંડલા-રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં કાલે હળવો ભારે વરસાદ પડયો...

વાવાઝોડાના ભય વચ્ચે પવનનું જોર વધ્યુઃ હવામાન પલ્ટાયુ

બંદરો ઉપર ભયજનક સિગ્નલઃ સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારો બોટ સાથે સલામત સ્થળેઃ ઉકળાટ યથાવત : આજે દ્વારકા, ભાવનગર પંથકમાં હળવા વરસાદની સંભાવનાઃ રવિવારે જુનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ પંથકમાં વરસાદ પડવાની ધારણાઃ ૧૭ મીએ સૌરાષ્ટ્રના સાગરકાંઠે ભારે વરસાદની સંભાવનાઃ ૧૮ અને ૧૯ ધમધોકાર વરસાદની આગાહી કરાઇ છે.

પ્રથમ તસ્વીરમાં સાવરકુંડલામાં વરસેલ વરસાદ તથા બીજી તસ્વીરમાં હળવદમાં મળેલ બેઠક નજરે પડે છે. (તસ્વીર : દિપક જાની -ઇકબાલ ગોરી-હળવદ-સાવરકુંડલા)

રાજકોટ તા. ૧પ :.. આગામી દિવસોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર 'તૌકતે' વાવાઝોડાનો ખતરો છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.

ગઇકાલે સાંજના સમયે જસદણ, આટકોટ, અમરેલી, ખાંભા, સાવરકુંડલા, રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવો - ભારે વરસાદ પડયો હતો. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સંભવીત 'તૌકેત' વાવાઝોડા સામે તંત્ર સજજ થઇ ગયુ છે. અને અધિકારીઓ કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. વાવાઝોડાના ભય વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનનું જોર વધ્યુ છે અને હવામાન પલ્ટાયુ છે.

બંદરો ઉપર ભયજનક સિગ્નલ મુકાય છે. સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારો બોટ સાથે સલામત સ્થળે છે અને ઉકળાટ યથાવત છે.

આજે દ્વારકા, ભાવનગર પંથકમાં કાલે જુનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લામાં અને તા. ૧૭ મીએ સૌરાષ્ટ્ર-કચ્છના સાગરકાંઠે અને તા. ૧૮ તથા ૧૯ નાં સર્વત્ર ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.

ભાવનગર અને પોરબંદરની વચ્ચેના કાંઠા વિસ્તારોમાં ૧૮ મે ની સવારે વાવાઝોડું ત્રાટકશે એવી સંભાવના છે. એક અન્ય મોડલ મુજબ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઇને કરાચી કાંઠે પણ ટકરાઇ શકે છે.

વાવાઝોડાની અસરના લીધે ગુજરાતના હવામાનમાં ૧૬ પછી પલ્ટો આવશે તથા ૧૬ અને ૧૮ મે દરમિયાન કાંઠા વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદ થઇ શકે છે. કાંઠા વિસ્તારના બંદરોને સિગ્નલ આપવાની સુચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારે કાંઠાના વિસ્તારના જિલ્લા કલેકટરોને જરૂરી પગલાં સાથેનો એકશન પ્લાન તૈયાર રાખવા જણાવી દેવામાં આવ્યું છે.

વાવાઝોડાની ટકકર સાથે ૧પ૦ થી ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે તથા ભારે વરસાદ પડી શકે છે.

એનડીઆરએફની પ૩ ટીમને એલર્ટ કરી દેવાઇ છે. આ ટીમ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતમાં તહેનાત કરાશે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : આજે સવારથી જુનાગઢ સહિતનાં વિસ્તારોમાં વાદળા અને  વરસાદી વાતાવરણ પ્રવર્તે છે.

એક બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વાવાઝોડાની શકયતાને કારણે સોરઠનાં વાતાવરણમાં આજે સવારથી જોરદાર પલ્ટો આવ્યો છે અને સવારે જુનાગઢ પંથકનાં આકાશમાં જોરદાર વાદળા છવાય ગયા છે. અને કમોસમી વરસાદી વાતાવરણ થઇ ગયું છે.

વાતાવરણ પલટાવવાની સાથે મંદ મંદ ઠંડો પવન પણ ફુંકાતા ગમે ત્યારે જુનાગઢ વિસ્તારમાં વરસાદ થવાની શકયતા નકારી શકતી નથી.

સાવરકુંડલા

(ઈકબાલ ગોરી - દિપક પાધી દ્વારા) સાવરકુંડલા ગઇકાલે અખાત્રીજનું મુહૂર્ત સાચવતા હોય તેમ વરસાદ વરસતા ગરમીમાંથી રાહત મળી હતી.

સાવરકુંડલા માં મીની વાવાજોડું પવન સાથે વરસાદ વરસતા ગરમી ના વાતાવરણ માં ઠંડી  પ્રસરી છે તો બીજી બાજુ  કેરી ને વ્યાપક નુકશાન પણ થવા લાગ્યું છે

હાલ ઉનાળા ના ઋતુ માં ૪૨ આસ પાસ તાપ માં ડીગ્રી અને ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણ પલ્ટો મારતા મીની વાવાજોડા રૂપી પવન ફૂંકાયો હતો અને ત્યાર બાદ સુપડા ની ધારે વરસાદ વરસવા લાગ્યો આ કમોસમી વરસાદ વરસતા ભારે  ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરી હતી તો બીજી બાજુ કેરીના પાક માં ભારે નુકશાન થયેલ હતું અને ઉનાળુ પાક માં પણ નુકશાન થાય નું જાણવા મળેલ છે આ કમોસમી વરસાદ એકંદરે નુકશાન કારક સાબિત થયો છ.

હળવદ

તૌકતે વાવાઝોડાની સંભાવના વચ્ચે હળવદ મામલતદાર કચેરી ખાતે મદદનીશ કલેકટરના અધ્યક્ષ સ્થાને તાલુકાના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવાઝોડાની અસરના ભાગરૂપે કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા તાકીદ કરાઇ છે. સાથે જ સલામતીની કામગીરી સમયે કોવિડ પ્રોટોકોલનું કડકપણે પાલન કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ જો વાવાઝોડાની અસર જણાય તો આશ્રય સ્થાન પણ નક્કી કરવામાં આવ્યા હતા.

અરબી સમુદ્રમાં ઉદભવેલા હવાના હળવા દબાણને પગલે સંભવિત 'તૌકતે' વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાત સહિત કેટલા રાજ્યોના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. વાવાઝોડાના ખતરાને પગલે અગમચેતીરૂપે હળવદમાં મદદનીશ કલેકટરના અધ્યક્ષસ્થાને તાલુકાના અધિકારીઓ સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓને ૧૪ થી ૨૦ મે સુધી હેડકવાર્ટર નહીં છોડવા સૂચનાઓ અપાઈ છે. સાથે હળવદ અડીને આવેલા રણમા મજૂરીકામ કરતા અગરિયાઓને પાંચ દિવસ પરત બોલાવી લેવા પણ સોલ્ટ એસોસિએશનના પ્રમુખને જણાવાયું છે.

આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંઘ, તાલુકા વિકાસ અધિકારી એ.જે.રાવલ, નાયબ મામલતદાર સી.જે.આચાર્ય, ટીપીઓ.એચ.વી.ભટ્ટ, સીડીપીઓ મમતાબેન રાવલ, પી.જી.વી.સી એલ.ના અધિકારી.એમ.પી.મહેતા, જે.ડી.સોલાણી, પાણી પુરવઠાના આર.ડી ભાડજા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી, હળવદ સોલ્ટ એસોસિયેશનના પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું આજનું હવામાન ૩૮ મહત્તમ ર૬ લઘુતમ ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:02 pm IST)