સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

'તોકતે' સામે કચ્છ સજજ : બંદરોએ ભય સૂચક સિગ્નલ, માછીમારો, અગરિયાઓને સલામત સ્થળે ખસેડવા તજવીજ

વાતાવરણમાં બદલાવ બફારા સાથે ગરમી વધી, હજી ૩૪ બોટ સાથે ૧૭૦ માછીમારો દરિયામાં, ૭ તાલુકાના ૧૨૩ કાંઠાળ ગામોને સાવધ રહેવા સૂચના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૫:  સંભવિત 'તોકતેૅ' વાવાઝોડા ની આગાહી વચ્ચે અત્યારે કચ્છના વાતાવરણમાં બદલાવ વરતાઈ રહ્યો છે, બફારા સાથે ગરમી વધુ તીવ્ર બની છે. જિલ્લા તેમ જ તાલુકા કક્ષાએ તંત્ર સજજ થઇ ગયું છે. કંડલા, જખૌ બંદરે ભય સૂચક સિગ્નલ લગાડી દેવાયા છે.

 

તો, ખાસ કરીને માછીમારી કરતી બોટોને પરત કિનારે લાવવા તંત્ર સતત વ્યસ્ત છે. વાવાઝોડું કચ્છની કાંઠાળ પટીને સ્પર્શી પસાર થાય તેવી આગાહી વચ્ચે જો તે ફંટાય તો તેના સંભવિત નુકસાનથી બચવાની તૈયારીના ભાગ રૂપે તંત્ર તાલુકા કક્ષાએ પણ સજજ થઈ ગયું છે. અબડાસાના પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતે જખૌ બંદરની મુલાકાત લઈ માછીમારોના સ્થળાંતર માટેની સૂચના સાથે તૈયારીઓ અંગે રૂબરૂ ચર્ચા કરી હતી.

વાવાઝોડું કચ્છના ૭ તાલુકાઓ ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, માંડવી, અબડાસા અને લખપતના દરિયાઈ વિસ્તારના ૧૨૩ જેટલા કાંઠાળ ગામોને અસર કરે તેવી સંભાવનાને પગલે આગોતરી તકેદારીના પગલાં ભરાઈ રહ્યા છે. અગરિયાઓને પણ સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવાઈ છે.

(11:02 am IST)