સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

ધ્રાંગધ્રા ખાનગી હોસ્પિટલના મહિલા ડોકટરની છેડતી કરી મારી નાખવાની ધમકી

દર્દીની સારવાર કરાવવા આવેલા ત્રણ સામે ફરિયાદ

વઢવાણ,તા. ૧૫: સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં યુવતીઓ અને મહિલાઓ સહિત સગીરાઓ પર છેડતી અને દુષ્કર્મના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ધ્રાંગધ્રા હળવદ રોડ પર આવેલ એક ખાનગી હોસ્પીટલના મહિલા ડોકટર સાથે છેડતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર મહિલા ડોકટરે ત્રણ શખ્સો સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

માહિતી મુજબ ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલ શ્રીજી હોસ્પીટલના મહિલા ડોકટર અવનીબેન વેગડા ફરજ દરમ્યાન હોસ્પીટલે હાજર હતાં તે દરમ્યાન ધ્રાંગધ્રાથી કોઈ સગાને સારવાર માટે દેખાડવા હોસ્પીટલે આવેલા પરિવારજનોએ કેસ કઢાવવા બાબતે મહિલા ડોકટર સાથે બોલાચાલી કરી હતી અને તેઓનું બાવડું પકડી છેડતી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર મહિલા ડોકટરે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે પ્રદ્યુમનસિંહ જાડેજા અને અન્ય બે અજાણ્યા શખ્સો સહિત કુલ ત્રણ શખ્સો સામે છેડતી અને જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ સીટી પીએસઆઈ એમ.એમ.વ્યાસ ચલાવી રહ્યાં છે.

(11:42 am IST)