ભુજના માધાપર ગામે ૬૩ વર્ષીય મહિલા ઉપર છરીની અણીએ દુષ્કર્મના પ્રયાસથી ચકચાર
વૃધ્ધાએ ગુસ્સે થઇ શ્રાપ આપવાની વાત કરતા આરોપી યુવાન મોબાઇલ લઇ નાસી છૂટયો
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : ભુજની ભાગોળે આવેલ માધાપર ગામે ૬૩ વર્ષીય વૃદ્ઘ મહિલા ઉપર બળાત્કારના પ્રયાસે ચકચાર સર્જી છે. પતિ નોકરીએ ગયા બાદ રાત્રે રસોડાના દરવાજે સ્ટોપર ખોલીને પ્રવેશેલા ૨૩ વર્ષીય બુકાનીધારી યુવાને બેડરૂમમાં સુતેલા ૬૩ વર્ષીય વૃદ્ઘ મહિલાને છરી બતાવી દુષ્કર્મ આચરવા પ્રયાસ કર્યો હતો.
અગર ચિલ્લયેગી તો માર ડાલુંગા કહીને અજાણ્યા યુવાન ફરિયાદી મહિલા ઉપર ચડી બેઠો હતો. પ્રતિકાર કર્યા બાદ સતત ત્રણ વાર દુષ્કર્મનો પ્રયાસ કરનાર યુવાનને માતાજીનો શ્રાપ આપવાની વાત કરતાં તે નાસી છૂટયો હતો. આરોપી મહિલાનો મોબાઈલ લઈ અને દરવાજો બંધ કરી નાસી ગયો હતો.
દરમ્યાન મહિલાએ દરવાજો ખટખટાવતા પડોશીઓ દોડી આવ્યા હતા અને તેના પતિ તેમ જ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.