ગોંડલના ઘોઘાવદરના ફોર વ્હીલે સાયકલને હડફેટે લેતા ૧૦ વર્ષના જીલનું મોત
કોટડાસાંગાણીના સાંઢવાયાના કાર ચાલક મનોજ તોગડીયા સામે ગુનો : એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં આક્રંદ
રાજકોટ,તા. ૧૫: ગોંડલના ઘોઘાવદર ગામમાં ફોર વ્હીલના ચાલકે પૂર ઝડપે આવી સાયકલને હડફેટે લેતા દસ વર્ષના તરૂણનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ ઘોઘાવદર ગામ દાસી જીવણબાપાન જગ્યાની બાજુમાં રહેતા ભાવેશભાઇ ગીરધરભાઇ ડોબરીયા (ઉવ. ૩૯)નો ૧૦ વર્ષનો પુત્ર જીલ ગઇ કાલે પોતાની સાયકલ લઇને ગામમાં જતો હતો. ત્યારે પૂરઝડપે આવતી ફોર વ્હીલના ચાલકે સાયકલને પાછળની હડફેટે તરૂણ ફંગોળાઇ જતા તેને માથા તથા જમણા પગે ગંભીર ઇજા થતા તરૂણનું મોત નિપજ્યું હતું. બનાવ બનતા ચાલક ફોર વ્હીલ લઇને નાશી ગયો હતો. બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.કે.ચાવડા સહિતે સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક જીલ એક ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તે ધોરણ ૩માં અભ્યાસ કરતો હતો. તેના પિતા વેપાર કરે છે. આ બનાવ અંગે પોલીસે પિતા ભાવેશભાઇ ડોબરીયાની ફરિયાદ પરથી ફોર વ્હીલનો માલક મનોજ ચંદુભાઇ તોગડીયા (રહે. સાંઢવાસા ગામ તા. કોટડાસાંગાણી) સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.