સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ૧ કરોડ રપ લાખનું સીટી સ્કેન મશીનની ફાળવણી

રાજુલા તા. ૧પઃહાલમાં સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર પ્રવર્તી રહેલ છે ત્યારે રાજુલા હોસ્પીટલમાં બિલ્ડીંગ તો ખૂબજ સારૃં બનાવેલ છે પરંતુ ખાટલે મોટી ખોટ આ સરકારી હોસ્પીટલમાં એમ.ડી. તથા એમ.એસ. ડોકટરો નથી. તેમજ બિમાર દર્દીઓને તાત્કાલીક નિદાન થઇ શકે તેવા સાધનો પણ ઉપલબ્ધ નથી. તેમ છતાં રાજુલા હોસ્પિટલમાં કાર્યરત જે-જે ડોકટરો છે. તે આ કોરોનાની કપરી કામગીરી ખૂબ જ સારી રીતે કરે છે. પરંતુ રાજુલામાં કોરોના કપરા સમયમાં કોરોના થયો હોય તે અંગેના રીપોર્ટ કરવા માટે લેબોરેટરીની વ્યવસ્થા નહિં હોવાથી આરટીપીસીઆર ટેસ્ટ માટે રાજુલાથી છેક ૭૦ કિ.મી. અમરેલી મુકામે આ કીટ મોકલવામાં આવે છે. જેના કારણે રીપોર્ટ આવતા ૧ થી ર દિવસ થઇ જાય છે. જેના કારણે કોવિડી દર્દીની સારવાર વ્યવસ્થિત થઇ શકતી નહીં હોવાનું તેમજ રાજુલામાં સીટી સ્કેન મશીન પણ ઉપલબ્ધ નહિં હોવાનું પણ રાજુલાના ધારાસભ્યશ્રી અંબરીશભાઇ ડેરના ધ્યાન ઉપર આવતા તેનો દ્વારા રાજુલા સરકારી હોસ્પીટલમાં ૧ કરોડ રપ લાખની પોતાની ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સીટી સ્કેન મશીનની ગ્રાન્ટ ફાળવવા આયોજન અધિકારીશ્રી અમરેલીને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે.

ધારાસભ્યશ્રી દ્વારા કોરોના કાળમાં લોકોને ઓછી મુશ્કેલી પડે તથા લોકો કોરોના મુકત રહે તેવા સતત પ્રયત્નો શરૂ જ છે ત્યારે આ કોરોના સામે તાત્કાલીક સારવાર મળી રહે તેમજ આરટીપીસીઆર ટેસ્ટ કરતા પણ વધુ અસરકારક અને કેટલી માત્રામાં ફેફસા અસરગ્રસ્ત છે એ જાણવા માટે માત્ર સીટીસ્કેન દ્વારાજ જાણી શકાય છે.

લોકો એવું વિચારી રહ્યા છે કે, સ્વપ્નામાં પણ રજુલાને સીટી સ્કેન મળે તેમ ન હોય પરંતુ લોકાભિમુખ કામગીરી કરીને અંબરીશભાઇ ડેર દ્વારા ખરા અર્થમાં લોકોની સેવા કરી રહ્યા છે અને લોકોને સારી સુવિધા મળે તેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે.

આ સીટી સ્કેન ચલાવવા માટે સીટી સ્કેન ટેકનિશ્યન સરકાર તાત્કાલિક ફાળવે તેમજ જો સરકાર દ્વારા સીટી સ્કેન ચલાવવા ટેકનિશ્યનની ફાળવણી નહિં કરે તો ગૃપ દ્વારા ટેકનિકશ્યન ઉપલબ્ધ કરાવીને રાજુલા વિધાનસભાના લોકોને તાત્કાલીક સીટી સ્કેન રાજુઁલા સરકારી હોસ્પીટલમાં શરૂ કરી દેવામાં આવશે. તેવું અંતમાં શ્રી ડેરે જણાવેલ છે.

(1:00 pm IST)