સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 15th May 2022

હળવદ મામલતદાર ઓફિસમાં જનતા રેડ : પોલીસે ગુનો નોંધ્યો

રેવન્યુ નાયબ મામલતદાર અને હાલ ના નિવૃત ડે. કલેક્ટર અને હળવદ પ્રાંત કચેરીના નિવૃત્ત ક્લાર્કને સજા ફટકારતા ચકચાર મચી જવા પામી

મોરબી : હળવદ મામલતદાર ઓફિસમાં જનતા રેડ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો જેમાં કોર્ટે જે તે સમયના રેવન્યુ નાયબ મામલતદાર અને હાલ ના નિવૃત ડે. કલેક્ટર અને હળવદ પ્રાંત કચેરીના નિવૃત્ત ક્લાર્કને સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે. જેમાં આ કેસની વિગત જોવા જઈએ તો હળવદ મામલતદાર કચેરીમાં વર્ષ 2006માં દારૂ અને નોનેવેજની મિજબાની અધિકારીઓ માણી રહ્યા હતા એ સમયે હળવદના પ્રજા દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. આ જનતા રેડમાં તે સમયના હળવદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ નાયબ મામલતદાર વાલજી સુરમાં ખાંટ,કલાર્ક ધીરુભાઈ હરજીભાઈ સોંનગ્રા અને કલાર્ક કિશનભાઈ ભવાનભાઈ પાટડીયા અને અન્ય ત્રણ વ્યક્તિઓ સહિતના છ વ્યક્તિઓ આવી મિજબાની માણતા રંગેહાથ પકડાયા હતા.

જેમાં બાદમાં હળવદ પોલીસમથકના થાણા અધિકારી પીએસઆઇ ઠાકરની ટીમે ત્રણેય કર્મચારીઓ મળી કુલ છ વ્યક્તિઓ સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. જેમાં આ કેસ હળવદ કોર્ટમાં ચાલી જતા પુરાવો અને સાક્ષીઓને ધ્યાનમાં રાખી હળવદ કોર્ટના એડિશનલ જય.મેજી.ફો.કો.ડો.લક્ષ્મી નંદવાણાની કોર્ટે આ પૈકીના બે કર્મચારીઓનો કેસ ચલાવી સજા ફટકારી હતી.

કોર્ટે તે સમયના રેવન્યુ નાયબ મામલતદાર અને હાલ નિવૃત ડે. કલેક્ટર વાલજી સુરમાં ખાંટ અને નિવૃત કલાર્ક કિશનભાઈ ભવાનભાઈ પાટડીયા સાહિતના બે ને બે બે હજાર દંડ અને બે માસની સજા ફટકારી છે. જેમાં ત્રીજા કલાર્ક ધીરુભાઈ હરજીભાઈ સોંનગ્રા કોર્ટની તારીખમાં હાજર રહ્યા ન હોવાથી તેઓનો ચુકાદો પેન્ડિંગ રાખી નવી તારીખ આપવામાં આવી હતી.

જો કે વર્ષ 2006 ના સમયના હળવદના રેવન્યુ નાયબ મામલતદાર વી એસ ખાંટ બાદમાં ડે. કલેક્ટરના પદેથી નિવૃત થયા છે જ્યારે અન્ય કલાર્ક ધીરુભાઈ સોંનગ્રા હળવદ પ્રાંત ઓફિસમાં ફરજ બજાવી રહ્યા છે અને બીજા ક્લાર્ક કિશનભાઈ પાટડીયા નિવૃત થઈ ચૂક્યા છે. તો બીજી બાજુ આ જ ગુનામાં અન્ય ધ્રાંગધ્રાના દિલીપસિંહ,મનહરસિંહ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ હાલ કેસ ચાલુ છે.

 

જો કે આ ત્રણેય આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતા હોવાથી ઉપરોક્ત મામલતદાર કચેરીના ત્રણેય અધિકારીઓ વિરુદ્ધ જુદું ચાર્જશીટ કરી કેસ ચલાવી અને બે આરોપીઓને સજા ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે સરકારી ઓફિસમાં પણ મિજબાની કરતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ ઉદાહરણ રૂપ કિસ્સો સામે આવ્યો છે.

(11:32 am IST)