સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 15th May 2022

રમશે ગુજરાત જીતશે ગુજરાત: સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ કેરા ખાતે યોજાઇ

ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવાનું પ્લેટફોર્મ એટલે ખેલ મહાકુંભ - વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્ય

ભુજ: આજરોજ સૌરાષ્ટ્ર ઝોનકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા એચ.જે.ડી  ઇન્સ્ટીટયુટ કેરા ખાતે વિધાનસભા અધ્યક્ષ  ડો. નિમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાઇ.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે રાજયમાં રમત-ગમતનું વાતાવરણ બદલવા અને નવું સ્પોર્ટસ કલ્ચર ગુજરાતમાં ઉભું થાય તે માટે ખેલ મહાકુંભ સ્પર્ધાઓનું આયોજન ૨૦૧૦ થી ચાલુ કર્યું છે. અને ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને પ્લેટફોર્મ મળે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં ગુજરાતનું નામ રોશન થાય તે માટે ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની નવી ખેલનીતિ બિરદાવી હતી .

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ભારતના લોકલાડીલા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના ભગીરથ પ્રયત્નોના ભાગ સ્વરૂપે સંયુકત રાષ્ટ્રો દ્વારા તા.૨૧ મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગદિવસ તરીકે પણ જાહેર કરી ભારતની આ પ્રાચીન પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ અપાવી છે.  આજની આ હેંડબોલ સ્પર્ધામાં ભાગ લેનાર સર્વે ખેલાડીઓને હું શુભકામના પાઠવું છું . આ સ્પર્ધા કોઇ હારજીત માટે નથી , પરંતુ આ તંદુરસ્ત સ્પર્ધા શરીરની તંદુરસ્તી માટે છે . આ સ્પર્ધા દ્વારા આપણા સૌમાં સ્પોર્ટ્સમેેન સ્પીરીટની ભાવના જાગૃત થાય તેવી  દરેક ખેલાડીઓ ને મારી શુભકામના છે.

આજની આ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં કુલ ૭ ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમો ઓપન કેટિગેરીમાં ભાગ લેશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન  મનિષભાઇ પટેલે કર્યું હતું  

આ પ્રસંગે એચ.જે.ડી સંસ્થાના ચેરમેન જગદીશભાઈ, વાઇસ ચેરમેન કાંતાબેન, જીલ્લા રમત ગમત અધિકારી  રોહિતસિંહ પરમાર,માજી કાઉન્સિલર ભુજના  સહદેવસિંહ  જાડેજા,  સૌરાષ્ટ્ર ઝોનના ખેલમહાકુંભ ના નોડલ અધિકારી  અમીતભાઇ, સરકારી શિક્ષક સંઘના દિવ્યરાજસિંહ જાડેજા, વ્યાયામ શિક્ષકસંઘના પ્રમુખ હરદેવસિંહ જાડેજા, અગ્રણી પી.ડી.પટેલ, વ્યાયામ શિક્ષક  ગજેન્દ્રસિંહ તેમજ  કોચ અને  ખેલાડીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

 

(8:01 pm IST)