કુવાડવા પાસે ‘હિટ એન્ડ રન': પડધરીના તબિબી છાત્ર પરિમલ સોહલીયાનું મોત
કુવાડવા બીએચએમએસ કોલેજથી હોપ હોસ્પિટલે જતી વખતે ભગીરથ પંપ પાસે અજાણ્યા વાહનનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયોઃ યુવાન અને આશાસ્પદ પુત્રના મોતથી વણિક સોની પરિવારમાં ગમગીની
રાજકોટ તા. ૧૫: કુવાડવા નજીક ભગીરથ પેટ્રોલ પંપ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પડધરીના વણિક સોની પરિવારના યુવાન અને આશાસ્પદ પુત્ર તબિબી છાત્રનું ગંભીર ઇજા થતાંમોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
જાણવા મળ્યા મુજબ પડધરી ચોરાવાળી શેરીમાં રહેતો પરિમલ વિજયભાઇ સોહલીયા (ઉ.વ.૨૧) કુવાડવાની બીએચએમએસ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોઇ ગઇકાલ સાંજે પાંચેક વાગ્યે તે કુવાડવાની કોલેજથી બાઇક હંકારી હોપ હોસ્પિટલ તરફ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા વાહનનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં પરિમલને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
હેડકોન્સ. અજયભાઇ નિમાવત અને રોહિતદાન ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર પરિમલ તબિબી અભ્યાસના ત્રીજા વર્ષમાં હતો. તેના પિતા નિવૃત જીવન જીવે છે. પરિમલના મોટા ભાઇ પણ ડોક્ટર છે. યુવાન અને આશાસ્પદ દિકરાના અકાળે મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક અંગે તપાસ શરૂ કરી છે.