સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th June 2021

જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષણ સહાયકોની ભરતીની કામગીરી માટે ડોકયુમેન્ટ વેરીફિકેશન કેમ્પ યોજાયો

૩૪૩ ઉમેદવારો હાજર ૬૭ ગેરહાજર ઉપાધ્યાયે આપેલ વિગતો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૪ :.. જુનાગઢ જિલ્લામાં ખાલી પડેલ જગ્યામાં શિક્ષકોની ભરતી માટે જુનાગઢની ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ડોકયુમેન્ટ વેરીફિકેશન કામગીરી હાથ ધરવામાં આવેલ.

જુનાગઢના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર. એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે શુક્રવારના રોજ શરૂ થયેલ આ કામગીરી પુર્ણ થતાં ટૂંક સમયમાં શાળાની તમામ ખાલી જગ્યા ભરવામાં આવશે.

શ્રી રમેશ ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી બિનસરકારી ખાનગી અનુમોદિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલ શિક્ષકોની જગ્યા ભરતી કરવાની કાર્યવાહી શરૂ  કરવામાં આવેલ શાળામાં ખાલી પડેલ શિક્ષકોની જગ્યા ભરવા માટે ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવા આવી હતી.

આવી અરજી કરેલા ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફિકેશનની કામગીરી કરવામાં આવી હતી. બે દિવસ સુધી ચાલેલ આ કામગીરીમાં ૪૧૦ ઉમેદવારો પૈકી ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે ૩૪૩ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૬૭ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતાં. અંતમાં શ્રી ઉપાધ્યાયએ જણાવેલ કે હવે આગામી દિવસોમાં શાળામાં શિક્ષકોની તમામ ખાલી જગ્યા ભરવામાં આવશે.

(12:02 pm IST)