સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th August 2022

મોરબીના સ્ટેશન રોડ પર મહારાણી શ્રી નંદકુંવરબા રૈન બસેરાનું લોકાપર્ણ કરાયું.

મોરબી :  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત ૧૦૮ ફુટ ઊંચા સ્તંભ પર તિરંગો લહેરાવવાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ૧૦૮ ફૂટ ઊંચા સ્તંભ પર તિરંગો લહેરાવ્યો હતો.

આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાનું આ આયોજન ખૂબ જ સરાહનીય છે. આ મનોહર દ્રશ્ય ખરેખર મનમોહક છે. વધુમાં જણાવ્યું હતું કે. સી.સી. રોડના કામો, સ્ટ્રીટ લાઇટના કામો તથા ૩૮ ડોર ટુ ડોર વાહનો થકી મોરબીની સુવિધામાં વધારો થશે તથા નગરજનોની સુખાકારીમાં પણ વધારો થશે.
આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આપણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવી રહ્યા છીએ જે થકી સમગ્ર દેશ તિરંગામય બન્યો છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ કરેલા આ વિશેષ આયોજન માટે તેમણે મોરબી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં આત્મનિર્ભર ભારત અને ભારતની વિશ્વ ગુરુ બનાવવામાં સૌને પોતાનો ફાળો આપવા મોરબીવાસીઓને અપીલ કરી હતી. 
આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ તમામ આયોજનની ટૂંકી માહિતી આપી હતી. આ પ્રસંગે મોરબીના વિવિધ વિસ્તારોના સી.સી.રોડ, વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ, ૩૮ ડોર ટુ ડોર વાહનો તથા ઘર વિહોણાના આશ્રયસ્થાન માટે મહારાણી નંદકુંવરબા રૈન બસેરા વગેરે વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત કરાયા હતા.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા, તાલુકા ભાજના પ્રમુખ અરવિંદભાઈ વંસદડિયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

 

(11:48 pm IST)