સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th August 2022

મોરબીમાં બોલેરો ચાલકની બેદરકારીની ઘટના સામે આવીઃ રસ્તે ચાલીને જતા વૃદ્ધને બોલેરોએ હડફેટે લેતા કમકમાટી ભર્યું મોત

મોરબીઃ  મોરબીમાં બોલેરો ચાલકની બેદરકારીની ઘટના સામે આવી છે. જ્યાં રસ્તે ચાલીને જતા વૃદ્ધને બોલેરોએ ઠોકરે લેતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે મૃતકના પુત્રએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

 જેમાં ફરિયાદી  મહેશભાઇ ધોધાભાઇ સનુરાએ જણાવ્યું હતું કે,  તારીખ-૧૨/૦૮/૨૦૨૨ના  સવારના સાતેક વાગ્યાના સુમારે  ત્રાજપર ખારી વિસ્તાર રોડ પર તેમના પિતા ઘોઘાભાઈ ચાલીને જતા હતા. એ સમયે અચાનક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો પીકપ ફોર વ્હીલ ગાડી રજી-નં- જીજે.૩૬.ટી.૫૫૧૯ ના ચાલકે પોતાના હવાલાવાળી કાર ને રિર્વસ માં પુરઝડપે અને ગફલતભરી રીતે તેમજ મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને ઘોઘાભાઇને પાછળથી અડફેટે લેતા તેમને જમણા હાથે તથા જમણી તરફ છાતીના ભાગે ગાડીની ઠોકર લાગી હતી. જેથી તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. જ્યારે અકસ્માત સર્જીને બોલેરો ચાલક ફરાર થયો હતો.

 હાલ આ ફરિયાદીના આધારે પોલીસે  IPC કલમ. ૨૭૯,૩૦૪(અ),૩૩૭ તથા MV ACT કલમ-૧૭૭,૧૮૪,૧૩૪,૧૧૯ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:37 pm IST)