સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

પોરબંદરઃ ભાદર નદીના પુરમાં તણાયેલ આધેડને હેલીકોપ્ટર દ્વારા હેમખેમ બચાવી લેવાયા

પ્રાથમિક સારવાર માટે પોરબંદર ખસેડાયાઃ બે દિવસથી હેલીકોપ્ટર દ્વારા શોધખોળ ચાલુ હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પ :.. તાલુકાના એરડા અને દેરોદર પુલ પાસે ભાદર નદીના પાણીમાં તણાય ગયેલ નેરાણા ગામના આઘેડ વયના ભીખુભાઇ કાનાભાઇ ભુતિયાને હેલીકોપ્ટર દ્વારા બચાવ ઓપરેશન હાથ ધરીને ભીખુભાઇને બચાવી લીધા છે. ભાદર નદીમાં તણાયેલ આઘેડની બે દિવસથી હેલીકોપ્ટર દ્વારા શોધખોળ ચાલુ હતી અને તેમનો પતો મેળવવામાં સફળતા મળી હતી.

એરડા-દેરોદર રસ્તાના સીમાડા ભાગે આવેલ પુલ નજીક નેરાણા ગામના ભીખુભાઇ કાનાભાઇ ભુતિયા નામના વ્યકિત ફસાયેલ હોવાની જાણ મળતાની સાથે  ભડ ગામેથી યુવાનો સાથે નજીકના પોલીસ સ્ટેશન તથા તાલુકા, જીલ્લા તંત્રને ધ્યાને વાત રાખી પોરબંદર તાલુકા પંચાયત સભ્ય રામભાઇ હમીરભાઇ મોકરીયા તથા તેમની ટીમ દ્વારા સંસદસભ્ય રમેશભાઇ ધડુકનો સંપર્ક કેળવી તાત્કાલીક યુધ્ધના ધોરણે અધિકારી, કર્મચારીઓને દોડાવી સ્થળ પરિસ્થિતિ વિશે સતત રૂબરૂ સંપકમાં રહી, આખરે ફસાયેલ એક જીવ માટે તમામ સંસાધનો લગાડવા પડે તેટલા લગાડવાની તૈયારી બતાવી, ઘેડ પંથકમાં સૌપ્રથમ વાર હેલિકોપ્ટરના માધ્યમથી બચાવ રાહત કામગીરી તથા શોધખોળ શરૂ કરેલ. આવા અનેક અથાગ  પ્રયત્નોને અંતે ૧૮ કલાકથી પણ વધુ ફસાયેલ ભીખુભાઇને હેમખેમ રેસ્કયુ કરી પ્રાથમિક સારવાર અર્થે પોરબંદર મોકલેલ છે.

સમસ્ત ગામજનોએ સાંસદ રમેશભાઇ ધડુક  તેમજ કલેકટર અને ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓનો આભાર માન્યો હતો.

(1:28 pm IST)