સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

ચાર દિવસ બાદ સોરઠમાં વરસાદને બ્રેક ઉઘાડ, સીઝનનો કુલ વરસાદ ૧૦૦ ટકાને પાર

સુર્યનારાયણના પણ દર્શન થતા લોકોમાં હાશકારો

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧પઃ ચાર દિવસ બાદ સોરઠમાં વરસાદને બ્રેક લાગતા સવારથી સુર્ય નારાયણના દર્શન સાથે ઉઘાડ નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

જુનાગઢ જીલ્લામાં સીઝનનો કુલ વરસાદ ૧૦૦ ટકાને પાર થઇ ગયો છે. જેના પરીણામે પાણીની ભરપુર વ્યવસ્થા થઇ ગઇ છે.

જુનાગઢ શહેર-જીલ્લામાં ગત તા.૧૨ સપ્ટેમ્બરથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. આ દિવસે જીલ્લામાં કુલ પ૪૩ મી.મી. વરસાદ વરસાવ્યા બાદ ગઇકાલ બપોર સુધી જીલ્લામાં જ મેઘાનો પડાવ રહયો હતો.

મંગળવારની સાંજના ૪ વાગ્યાથી મેઘરાજાએ આરામ ફરમાવતા ગત રાત્રે સોરઠમાં એક પણ ટીપુ પાણી વરસ્યુ ન હતું.

ર૪ કલાકમાં જુનાગઢ જીલ્લામાં કુલ ૮૦૫ મી.મી. (૩ર ઇંચ) વરસાદ નોંધાયો હતો. જેમાં કેશોદમાં ૧ર૬ મી.મી. વરસાદ સાથે સીઝનનો કુલ વરસાદ ૮૯૪ મી.મી. થયો હતો.

જુનાગઢમાં ૯૭ (૯૦૪) મી.મી., ભેંસાણ ર૬ (પ૯ર), મેંદરડા ૪૪ (૮૧૩) મી.મી., માંગરોળ ૧પ૭ (૧ર૩૭), માણાવદર ૪૭ (૯૧૭) માળીયા હાટીના ૯૪ (૧૦૧૯), વંથલી ૯૭ (૯૦૮) અને વિસાવદમાં ર૪ કલાકમાં ર૦ મી.મી. સાથે સીઝનનો કુલ વરસાદ ૧૧૭પ મી.મી. થયો છે.

ગત સાંજથી જુનાગઢ જીલ્લામાં વરસાદની લાગેલી બ્રેક આજે પણ યથાવત રહેતા અને મેઘરાજાએ પોરો ખાતા સવારના જુનાગઢ સહીતના વિસ્તારોમાં સુર્યનારાયણના દર્શન સાથે ઉઘાડ નીકળ્યો હતો. જેના પરીણામે લોકો અને ખાસ કરીને ખેડુતોમાં રાહત પ્રસરી છે.

જુનાગઢ જીલ્લામાં આજે સવાર સુધીમાં સીઝનનો સૌથી વધુ ૧૪ર.૧૮ ટકા વરસાદ માંગરોળ વિસ્તારમાં નોંધાયો છે.

(1:30 pm IST)