સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

અમરેલી જીલ્લામાં ધીમીધારે વરસતા વરસાદથી પાકને ફાયદો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧પ :.. અમરેલી શહેર અને જિલ્લામાં આજે સવારથી સાંજ સુધી ધુપછાવ ભર્યા વાતાવરણ વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી બે ઇંચ જેવો વરસાદ પડયો હતો. જેમાં રાજુલા બે ઇંચ, લીલીયા પોણા બે ઇંચ, વડીયા દોઢ ઇંચ, જાફરાબાદમાં દોઢ ઇંચ, બગસરામાં પોણો ઇંચ, સાવરકુંડલામાં અડધો ઇંચ જયારે લીલીયાનાં હાથીગઢમાં બપોરના ૪ થી પ.૪પ સુધીમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડયાનું શ્રીકાંત દાદાએ જણાવ્યું હતું. ચલાલા, કુંકાવાવમાં તેમજ અમરેલી, ખાંભા અને બાબરામાં વરસાદનાં હળવા ભારે ઝાપટા પડયા હતાં.

અમરેલી નજીક આવેલ ભોજાભગતનાં ફતેપુરમાં ૩.૩૦ થી પ.૩૦ સુધી બે કલાકમાં બે ઇચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. અને હજુ પણ આકાશમાં વાદળાઓ ઘેરાયેલા છે. અમરેલી જિલ્લા ફલ્ડ કંટ્રોલ રૂમમાં સવારથી સાંજ સુધીમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી ૦.પ મી. મી., ૦.૭ મી. મી., જાફરાબાદમાં ૩૪ મી. મી., ધારી ૧ મી. મી., બગસરા ૧૯ મી. મી. બાબરા ર મી. મી., રાજુલા પ૯ મી. મી., લીલીયા ૪૩ મી. મી., વડીયા ૩પ મી. મી., સાવરકુંડલા ૧ર મી. મી. વરસાદ નોંધાયો હતો.

બગસરામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે આજે ફરી બગસરા પંથકમાં એક ઇંચ જેવો વરસાદ ધીમી ધારે વરસ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશીની છવાઇ છે સતત ધીમી ધારે વરસાદ વરસતા ખેતીમાં પાકને નુકસાન થયેલ નથી અને ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા છે બગસરા પાસે આવેલ મુંજીયાસર ડેમ ઓવર ફલો થતા પાસે આવેલ સાતલડી નદીમાં પૂર આવ્યા છે અને કોઇ નુકશાન થયેલ નથી આસપાસના ચેક ડેમો છલકાઇ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદી નાળા અને નાના નાના ચેકડેમો છલકાઇ ગયા હોવાનું જાણવા મળેલ છે.

(1:33 pm IST)