સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

પૂ.મોરારીબાપુ દ્વારા સૌરાષ્ટ્રના પુર પ્રભાવીત વિસ્તારો માટે રૂ.રપ લાખની સહાયની જાહેરાત

રાજપીઠ આવી સહાયની જાહેરાત કરે તો વ્યાસપીઠ કેમ પાછળ રહે? : મુખ્યમંત્રી રાહત નીધીમાં ચેક અર્પણ કરવામાં આવશેઃ સદભાગ્યે જાનહાની ન થઇ પરંતુ પાકહાની થઇ જે ચિંતાજનક

રાજકોટ, તા., ૧૫: પૂ. મોરારીબાપુના વ્યાસાસને પશ્ચિમ બંગાળના દાર્જીલીંગ ખાતે  શ્રી રામકથા યોજાઇ છે જેમાં આજે પૂ.મોરારીબાપુએ સૌરાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તારો માટે રૂ.રપ લાખની સહાયની જાહેરાત કરી છે.

 પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે ગઇકાલે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જામનગર અને રાજકોટના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સર્વે બાદ સહાય આપવાની જાહેરાત કરી છે. ત્યારે રાજપીઠ આવી સહાયની જાહેરાત કરે તો વ્યાસપીઠ કેમ પાછળ રહે? તેમ વિચારીને જામનગર, જુનાગઢ, રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ભારે વરસાદથી પ્રભાવીત વિસ્તારોના લોકોને રૂપીયા રપ લાખની સહાય તુલસીપત્ર રૂપે અસરગ્રસ્ત લોકો માટે શ્રી ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે થોડા દિવસો પુર્વે સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ વગેરે વિસ્તારોમાં એક જ દિવસમાં રર ઇંચ સુધીની અતિવૃષ્ટિ થઇ હતી. તેના લીધે અનેક ગામોમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઇ છે. આવા અતિભારે વરસાદના લીધે આવેલા પુરને કારણે કોઇ-કોઇ સ્થળે તો લોકોના ઘરોમાં પાંચ-પાંચ ફુટ પાણી ભરાઇ ગયા હતા. ઘરવખરી, રસોઇનો સામાન અને અનાજ તણાઇ ગયા છે. અનેક પશુઓના મૃત્યુ થયા છે. ખેતીની જમીનોનું પણ ધોવાણ થયું છે. પુર પ્રકોપના કારણે અનેક લોકોને ભારે નુકશાન પહોંચ્યું છે.સદભાગ્યે મોટી જાનહાની થઇ નથી. પરંતુ પાકહાની થઇ છે. જે ચિંતાજનક બાબત છે. તેમ પૂ. મોરારીબાપુએ અંતમાં જણાવ્યું હતું. આ રાહત સહાય ટુંક સમયમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે તેમ પૂ.મોરારીબાપુ વતી જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે. 

(1:40 pm IST)