સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ, માછીમારો પરત ફર્યા

માછીમારોએ બનાવેલો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં બે દિવસથી વાતાવરણ ખરાબ થતા દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે માછીમારો હાલ મહામુસીબતે કિનારા તરફ પરત ફરવા લાગ્યા છે. અમરેલીના દરિયામાં કરંટના કારણે માછીમારોની બોટ ઊછળતી જોવા મળી હતી.

અમરેલી જિલ્લામાં ચાલીસ નોટિકલ માઈલ દૂર દરિયો તોફાની બનતા માછીમારી કરવા ગયેલા માછીમારોની મુશ્કેલી વધી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હોય તંત્ર દ્વારા માછીમારોને પરત બોલાવી લેવામા આવ્યા છે. જેના કારણે હાલ માછીમારો અમરેલીના જાફરાબાદ, પીપાવાવ બંદર પર પરત ફરવા લાગ્યા છે.

હાલ દરિયામાં ભારે કરંટ હોય જે માછીમારી બોટ પરત ફરી રહી છે તે ઊંચા મોજામાં ઉછળતી જોવા મળી હતી. દરિયાની અંદર સર્જાયેલા તોફાનનો માછીમારોએ બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

(3:22 pm IST)