સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

પોરબંદર એરપોર્ટનો વિકાસ થાય તેવા પૂરા પ્રયત્નોઃ વિદેશથી લાંબા અંતરની ફલાઇટોનો લાભ મળે તેવા પ્રયત્નો હાથ ધરાશેઃ સાંસદ રમેશભાઇ ધડુક

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર એરપોર્ટના વિકાસ અર્થે આજે બપોરે ૧૨ વાગે સાંસદ સભ્ય શ્રી રમેશભાઇ ધડુકની ખાસ ઉપસ્થિતિમાં એક મીટીંગ યોજાઇ હતી. જેમા મુખ્ય હોદો પોરબંદર એરપોર્ટનો રન-વે વધારવો તેમજ પોરબંદરથી યુ.કે., દુબઇ સહિતની લાંબા અંતરની ફલાઇટોનો લાભ મળે તેમજ એનઆઇઆરઓ માટે પોરબંદરથી સુવિધા મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

સાસંદ શ્રી ધડુકે કહ્યું કે સરકારશ્રી તરફથી જમીન મેળવવા માટે પોતે જાતે પ્રયત્નો કરશે અને પોરબંદરનો વિકાસ થાય એ મહત્વનું છે. હાલ પ્રાથમીક દ્રષ્ટીએ એક હજાર કરોડ કે તેથી વધુ રકમ પોરબંદર એરપોર્ટના વિકાસ અર્થે વાપરવામાં આવશે. હાલ કોન્ટ્રાકટ અપાયો છે. એરપોર્ટ વધુ સુવિધાસભર બને તેવા કાર્યો હાથ ધરાશે પ્રારંભીક તબકકામાં સ્ટાફને રહેવા માટે કવાર્ટર, ડ્રાઇવરો માટે આરામ ગૃહ અને હવાઇ જહાજમાં આવતા મુસાફરોને પણ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હાલ ૭૦ સીટનું વિમાન આવન જાવન કરે છે. આવતીકાલથી વધુ એક સર્વિસ ટ્રુ જેટ અને સ્પાઇસ જેટની સેવા વધી રહી છે. બપોરના આ પ્લેન આવશે તેમ એરપોર્ટ ઓથોરીટીના યોગેન્દ્ર તોમરે જણાવ્યુ હતુ.

આ એડવાઇઝરી મીટીંગમાં સાંસદ શ્રી ધડુક, પોરબંદર દ્વારા સભ્ય બાબુભાઇ બોખીરીયા, સુરક્ષાના ડીએસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર રહયા હતા.

(4:10 pm IST)