સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

ડીસ્ટ્રીકટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકમાં વિવિધ યોજનાકીય કામોની સમીક્ષા કરાઇ

સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ ડૉ.મહેન્દ્ર મુજપરાની ઉપસ્થિતિમાં વાંકાનેર તાલુકા સેવાસદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી : ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની મીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ ડૉ.મહેન્દ્ર મુજપરાની ઉપસ્થિતિમાં વાંકાનેર તાલુકા સેવાસદન ખાતે બુધવારે યોજવામાં આવી હતી.

   આ બેઠકમાં મોરબી જિલ્લામાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓની અમલવારી અને પૂર્ણ અને પ્રગતિમાં હોય એવા કામોની સમીક્ષા કરી રાજ્ય સરકારના સંકલનથી ચાલતી વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભો લાભાર્થીઓને મળે અને વિવિધ પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ થાય તે માટે પ્રોજેક્ટ ઓફિસર અને જિલ્લાના અધિકારીઓને સુચના આપી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ તાકીદ કરી હતી.
   સાંસદ મોહનભાઈ કુંડારીયાએ મોરબી જિલ્લામાં ખનીજ ચોરી ન થાય તે જોવા તાકિદ કરી હતી. તેમજ ચોમાસા પહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા, તેમજ શાળાઓ મર્જ થતા બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ન પડે તે જોવા જણાવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ શ્રમિકોને રોજગારી આપતી યોજના મનરેગામાં સરકારશ્રી દ્વારા હવે ૧૬ વિભાગો દ્વારા કામ કરતા હોય વધારે કામો વિવિધ વિભાગો સાથે રાખીને ગ્રામીણ કક્ષાએ થાય તે માટે આયોજન હાથ ધરવા પણ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતુ.
  આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી.જાડેજાએ બેઠકનું સંચાલક કરી સંબંધિત વિભાગના અધિકારીએ દરેક પ્રોજેક્ટ માં થયેલી કામગીરી મીટીંગના અધ્યક્ષ  સમક્ષ  રજૂ કરી હતી. તેમજ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લામાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

(7:00 pm IST)