સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

કચ્છમાં સતત ત્રીજે દિ' મેઘસવારી ૬ તાલુકામાં અડધાથી અઢી ઇંચ : ૫ જગ્યાએ વીજળી ત્રાટકતા ૬ પશુઓના મોત : મહિલા દાઝી

પોલીસ સ્ટેશન અને મકાન ઉપર વીજળી પડી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : કચ્છમાં કાલે બપોર બાદ મેઘરાજાએ હાજરી પુરાવી છે. સતત ત્રીજે દિ' ધીમે ધીમે વરસાદ સાથે ચોમાસુ જામી રહ્યું છે. જોકે, છૂટો છવાયો વરસ્યો હોઈ કયાંક ધોધમાર તો કયાંક ઝાપટાં પડ્યા છે.

નખત્રાણામાં એક થી દોઢ ઇંચ, ભુજમાં એક ઈંચ પણ તાલુકાના કોટડા પંથકમાં અઢી ઇંચ, બન્ની ખાવડા વિસ્તારમાં અડધો થી દોઢ ઇંચ, લખપતમાં અડધા થી બે ઈંચ, જયારે રાપર, અબડાસા અને ભચાઉ તાલુકામાં છૂટો છવાયો અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદ દરમ્યાન ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા હોઈ લોકોમાં ભય છવાયો હતો. જોકે, પાંચ અલગ અલગ સ્થળોએ વીજળી પડી હતી.

જેમાં નખત્રાણાના બિબ્બર ગામે સાંગાજી જાડેજાના ઘર ઉપર વીજળી પડતાં એક ગાયનું મોત થયું હતું. તો, લીલાબા જાડેજા નામના મહિલા વીજળી પડતાં ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અપાઇ હતી. લખપતના દયાપરમાં સુમાર ઇશાક જતના વાડામાં વીજળી પડતાં ચાર ઘેટાં અને એક બકરીનું મોત નિપજયું હતું.

ભુજના ગણેશનગરમાં વીજળી પડતાં ઘરના વીજ ઉપકરણો બળી ગયા હતા. ભુજના દેશલપર ગામે પોલીસ સ્ટેશન ઉપર વીજળી પડી હતી. જોકે, કોઈ નુકસાન થયું નહોતું.

(10:21 am IST)